ભારતની કંપનીઓ એમડીએચ અને એવરેસ્ટના મસાલાઓમાં નુકસાન પહોંચાડનાર કેમીકલ તત્વો એથિલીન ઓકસાઈડની માત્રા વધુ હોવાને લઈને સિંગાપોર અને હોંગકોંગે રિજેકટ કર્યાના સમાચારોથી દેશમાં ખળભળાટ મચી ગયો હતો. હવે આ મામલે એફએસએસએઆઈએ આ મસાલાને કલીનચીટ આપી દીધી છે.
એફએસએસએઆઈએ ભારતના બજારોમાંથી મસાલાના સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસ બાદ દાવો કર્યો છે કે, તેમાં એથિલીન ઓકસાઈડની માત્રા નથી મળી આવી.આ મસાલામાં એવરેસ્ટ અને એમડીએચના મસાલા સામેલ છે. આ મસાલા પર હોંગકોંગે એમ કહીને બાન લગાડયો હતો કે તેમાં એથિલીન ઓકસાઈડ છે, જે કેન્સરનું કારણ બની શકે છે.
એફએસએસએઆઈએ ૨૨ એપ્રિલે દેશભરમાંથી આ મસાલાના નમુના એકત્ર કરવા શરૂ કર્યા હતા. જે અંતર્ગત એવરેસ્ટ અને એમડીએચ મસાલાના ૩૪ નમુના એકઠા કરાયા હતા. ખાસ કરીને મહારાષ્ટ અને ગુજરાતમાં એવરેસ્ટના ૯ નમુના અને દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાંથી એમડીએચના ૨૫ નમુનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ફુડ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, આ મસાલાના નમુનાઓમાં ભેજની માત્રા, કીટ, એફલાટોકિસન, કીટનાશક અને અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને એથીલીન ઓકસાઈડ માટે પણ તપાસ કરવામાં આવી હતી.૩૪ નમુનામાંથી ૨૮નો લેબ રિપોર્ટ આવી ચૂકયો છે. આ બધા નમુનામાંથી એથિલીન ઓકસાઈડની માત્રા નથી મળી. આ સાથે જ એફએસએસએઆઈએ ભારતીય બજારમાં ઉપલબ્ધ મસાલાને સુરક્ષિત બતાવાયા છે.
ખરેખર તો એથિલીન ઓકસાઈડનો ઉપયોગ મસાલાને કીટાણુ રહિત કરવા માટે કરાય છે પણ જાતેની માત્રા સુરક્ષિત સ્તરથી વધુ હોય તો તેનાથી કેન્સર સહિત અન્ય સ્વાસ્થ્ય જાખમ પેદા થઈ શકે છે.