કોલકાતામાં ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટના ધારાસભ્ય નૌશાદ સિદ્દીકીએ દાવો કર્યો કે તેમને વિવિધ વિસ્તારોમાંથી સતત ફોન કોલ્સ મળી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસે મસજીદ સમિતિઓને બોલાવી માઇક્રોફોન અને લાઉડસ્પીકર હટાવવા કહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે મસજીદ સમિતિઓએ પોલીસને આ સંદર્ભમાં લેખિત આદેશ અથવા સૂચના રજૂ કરવા કહ્યું, ત્યારે પોલીસ આવા કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ રહી.
સિદ્દીકીના મતે, પોલીસે ફક્ત એટલું જ કહ્યું, “અમે કહ્યું છે, તેથી તે કરવું જાઈએ.” તેમણે કહ્યું કે જો વહીવટ ખરેખર લાઉડસ્પીકરો દૂર કરવા માંગે છે, તો તેમણે પહેલા લેખિત આદેશ જારી કરવો જોઈએ અથવા પોલીસે હસ્તક્ષેપ કરીને કાર્યવાહી કરવી જોઈએ.
આઇએસએફ ધારાસભ્યએ જણાવ્યું કે તેમણે લોકોને વહીવટ સાથે કોઈપણ મુકાબલો ટાળવાની અપીલ કરી છે. તેમણે ઉમેર્યું કે ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો કોલકાતા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પહેલાથી જ સાંભળવામાં આવ્યો છે.
નૌશાદ સિદ્દીકીએ જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઔદ્યોગિક, રહેણાંક, વાણિજ્યક અને મૌન ઝોન માટે અલગ અલગ ડેસિબલ મર્યાદા નક્કી કરી છે. તેમણે દાવો કર્યો કે મોટાભાગની મસજીદોમાં લાઉડસ્પીકરો નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં કાર્યરત છે. તેમણે કહ્યું કે જા કોઈ મસજીદ નિર્ધારિત મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, તો તેની સામે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬ હેઠળ કાર્યવાહી કરી શકાય છે.
તેમણે એમ પણ કહ્યું કે આઇએસએફ આ મામલે કોર્ટનો સંપર્ક કરશે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકને ઇમેઇલ દ્વારા ફરિયાદ પણ મોકલવામાં આવી છે.
બંગાળમાં ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી ઘણા ફેરફારો જોવા મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર પોતાની રીતે વસ્તુઓ બદલવા માટે કામ કરી રહ્યું છે. પોલીસે હાલમાં સ્થાનિક રહેવાસીઓને મસજીદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાની અપીલ કરી છે. આ સંદર્ભમાં વહીવટીતંત્ર દ્વારા કોઈ લેખિત આદેશ જારી કરવામાં આવ્યો નથી.







































