બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. મલાઈકા અરોરાના પિતા વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બાંદ્રા સ્થિત પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. આ સમગ્ર ઘટના આજે સવારે ૯ વાગ્યાની આસપાસ બની હોવાનું માનવામાં આવે છે. અભિનેત્રી પુણેમાં હતી, આ ચોંકાવનારા સમાચાર મળતાં જ તે હોસ્પિટલ જવા રવાના થઈ ગઈ હતી. અભિનેત્રીના પિતાના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
અરબાઝ ખાનને આ સમાચાર મળતા જ તે પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મલાઈકાના પિતાનું ઘર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટથી માત્ર ૫ મિનિટના અંતરે છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અરબાઝ ખાનની સાથે વરિષ્ઠ નિરીક્ષક મરાઠે અને ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, હજુ સુધી કોઈ સુસાઈડ નોટ સામે આવી નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિલ અરોરા ગયા વર્ષે બીમાર પડ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.