અભિનેતા અભય દેઓલ ભલે ધર્મેન્દ્રના પરિવારનો સભ્ય છે, પરંતુ તેણે આજ સુધી પોતાના પરિવારના લોકોથી બિલકુલ અલગ પ્રકારની ફિલ્મો કરી છે. અભયે અત્યાર સુધી પોતાના કાકા ધર્મેન્દ્ર અથવા કઝીન ભાઈ સની અને બોબી દેઓલ સાથે એક પણ ફિલ્મ નથી કરી. જો કે ટુંક સમયમાં તે સની દેઓલના દીકરા કરણ દેઓલ સાથે ફિલ્મ વેલ્લેમાં જોવા મળશે. અભય દેઓલે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે. અભય દેઓલનું કહેવું છે કે તેની ફિલ્મોની દુનિયા પોતાના પરિવાર કરતા સાવ અલગ છે. એક ઈન્ટર્વ્યુમાં અભય દેઓલે કહ્યું કે, મને પરિવાર સાથે કામ કરવામાં બીક લાગે છે. મારા મગજમાં હંમેશા એ જ વિચાર રહે છે કે, હું મારા કાકા અથવા ભાઈઓ સામે કંઈ બીજું નથી બની શકતો, કોઈ પાત્ર નથી ભજવી શકતો. તેમની સામે કોઈ પણ પાત્ર ભજવવો મુશ્કેલ હશે. કરણ સાથે કામ કરવાનો અનુભવ અલગ હતો. તે મારા કરતા નાનો છે. મેં તેને મોટા થતાં જોયો છે. મોટા લોકો સાથે કામ કરવાના સ્થાને તેની સાથે કામ કરવામાં ઘણી ફ્રીડમ છે. અભય જણાવે છે કે, મેં કહ્યું તેમ મારાથી મોટા લોકો સાથે કોઈ બીજું પાત્ર કરવું મુશ્કેલ કામ છે. જો કે તક મળી હોતી તો હું ના પણ ના કહી શક્યો હોત. જો સારી ઓફર મળે તો હું ચોક્કસપણે કામ કરીશ. પરંતુ મારી ફિલ્મોની દુનિયા ઘણી અલગ છે. માટે અમે સાથે કામ કરીએ તેની શક્યતા ઘણી ઓછી છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલ સાથે ફિલ્મ અપને અને યમલા પગલા દીવાનામાં કામ કરી ચૂક્યા છે. પરંતુ અભયે અત્યાર સુધી તેમની સાથે કામ નથી કર્યું. ટુંક સમયમાં ધર્મેન્દ્ર, સની અને બોબી તેમજ કરણ દેઓલ સાથે અપને ૨માં જોવા મળશે. અભય દેઓલની વાત કરીએ તો તેમણે ૨૦૦૫માં ફિલ્મ સોચા ના થા સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.