ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનો ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. રીવાબાના શપથ ગ્રહણ બાદ રવિન્દ્ર જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પત્ની પર પ્રેમ વરસાવ્યો હતો અને તેમને તેમની નવી ઇનિંગ્સ માટે શુભકામનાઓ પાઠવી હતી.ગુરુવારે, ગુજરાતના મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ શુક્રવારે નવા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. રીવાબા મંત્રીમંડળમાં નવા ચહેરાઓમાંના એક છે. રીવાબા સહિત ત્રણ મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. રીવાબા જાડેજાએ મંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમના પતિ રવિન્દ્ર જાડેજા અને તેમની પુત્રી હાજર રહ્યા હતા.રવીન્દ્ર જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પત્નીને અભિનંદન આપ્યા. જાડેજા લખ્યું કે, “મને તમારા પર અને તમારી સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે. મને વિશ્વાસ છે કે તમે અદ્ભુત કાર્ય કરતા રહેશો અને જીવનના તમામ ક્ષેત્રોના લોકોને પ્રેરણા આપતા રહેશો. હું તમને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે ખૂબ સફળતાની શુભેચ્છા પાઠવું છું. જય હિંદ.”રીવાબા જાડેજાને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ જામનગરમાં ઉજવણીનો માહોલ છવાયો હતો. રીવાબા ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા. આ તેમની પહેલી ચૂંટણી હતી અને તેમણે જંગી જીત મેળવી. જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશને ફટાકડા ફોડી અને મીઠાઈઓનું વિતરણ કરીને રીવાબા જાડેજાની નિમણૂકની ઉજવણી કરી.જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઘણા સભ્યો તેમજ સ્થાનિક ખેલાડીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિલ્લાના એક અગ્રણી ક્રિકેટર અજય ભાઈએ જણાવ્યું હતું કે રીવાબા જાડેજાની મંત્રી તરીકે નિમણૂક બાદ વિસ્તારમાં આનંદનો માહોલ છે. તેઓ તેમના રાજકીય ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે.