મનુ ભાકર ઈતિહાસ રચી ગઈ.
હરિયાણાની ૨૨ વર્ષની દીકરી મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવાન્વિત કરી દીધો. શૂટર મનુ ભાકરે ૨૮ જુલાઈના રોજ ૧૦ મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. બે દિવસ પછી ૩૦ જુલાઈના રોજ મનુએ સરબજોત સિંહ સાથે મળીને મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતે પેરિસ ઓલિમ્પિકનો બીજો મેડલ જીત્યો અને ભારતને પણ બીજો મેડલ અપાવ્યો.
આ જીત સાથે મનુ ભાકર એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ. ભારત વતી નોર્મન પ્રિચાર્ડે ૧૯૦૦માં એથેન્સ ઓલિમ્પિક્સમાં એક સાથે બે મેડલ જીત્યા હતા પણ નોર્મન પ્રિચાર્ડ ભારતીય નહોતા પણ મૂળ બ્રિટિશ હતા. મનુ ભાકર પહેલાં આઝાદ ભારતના કોઈપણ ખેલાડીએ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા નથી. બેડમિંટન સુપરસ્ટાર પી.વી. સિંધુએ બે અલગ અલગ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે, કુશ્તીબાજ સુશીલ કુમારે પણ બે અલગ અલગ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે પણ મનુ ભાકરની જેમ એક ઓલિમ્પિકમાં બે મેડલ કોઈએ જીત્યા નથી.
મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ જીતવાથી પણ જરાક માટે ચૂકી ગઈ. મનુ ભાકર ૩ ઓગસ્ટે રમાયેલી ૨૫ મીટર પિસ્તોલ શૂટિંગની ફાઈનલમાં મેડલ જીતવાની ખૂબ નજીક આવી ગઈ હતી. ફાઈનલમાં મનુ બીજા નંબરે હતી ને છેલ્લા ૪ શૂટર્સ બાકી રહ્યા ત્યારે મનુનો મેડલ પાકો મનાતો હતો. જો કે મનુ એક શોટ ચૂકી જતાં પાછળ જતી રહી. મનુ ભાકર હંગેરીની વેરોનિકા મેજર બંનેના પોઈન્ટ સરખા થઈ જતાં બંને વચ્ચે શૂટઓફ થયો હતો. શૂટ-ઓફમાં મનુ ભાકરનો શોટ નબળો પડતાં મેડલથી દૂર જતી રહી અને મનુ ભાકર ચોથા સ્થાને રહી હતી.
ઓલિમ્પિક ગેમ્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં જબરદસ્ત સ્પર્ધા હોય છે ને જરાક ચૂક તમને ઈતિહાસ સર્જવાથી વંચિત કરી શકે છે. ભારતનાં મહાનતમ એથ્લેટ પી.ટી. ઉષા ૧૯૮૪માં ઓલિમ્પિક ગેમ્સમાં સેકન્ડના સોમા ભાગ માટે મેડલ જીતવાથી ચૂકી ગયાં હતાં. મનુ ભાકરના કિસ્સામાં પણ એ ઘટનાનું પુનરાવર્તન થયું છે અને મનુ સહેજ માટે મેડલ જીતવાની હેટ્રિક કરતાં રહી ગઈ. મનુ ૧૦ મીટર એર પિસ્તોલમાં પહેલો બ્રોન્ઝ મેડલ જીતી ત્યારે પણ એવું જ થયેલું પણ એ વખતે મનુના નસીબે જોર કર્યું તેથી તે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવી શકી હતી. ત્રીજા મેડલની રેસ વખતે નસીબે તેને સાથ ના આપ્યો.
મનુ ભાકરના પેરિસ ઓલિમ્પિક અભિયાનનો અંત બે મેડલ સાથે થયો અને આ દેખાવ માટે દરેક ભારતીયને ગર્વ થવો જોઈએ. મનુ ભાકર ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય ખેલાડી  થઈ ગઈ છે. ભવિષ્યમાં ભારતનો કોઈ ખેલાડી એક જ ઓલિમ્પિક્સમાં બે કરતાં વધારે મેડલ જીતે એવું બને પણ એ વખતે પણ સૌથી પહેલાં મનુને યાદ કરાશે કેમ કે મનુ વ્યક્તિગત રમતોમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય છે.

મનુ દેશના યુવાઓ માટે રોલ મોડલ છે.
મનુએ આ દેશના યુવાનોને શીખવ્યું છે કે, જીંદગીમાં કદી હાર ના માનવી અને ગમે તે સંજોગોમાં પણ હતાશ થયા વિના ઝઝૂમતા રહેવું. મનુનો સંઘર્ષ તો બહુ લાંબો છે પણ તેના જીવનમાં બનેલી બે ઘટનાઓ એવી છે કે જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. મનુ પાસે લોખંડી મનોબળ ના હોત તો આ ઘટનાઓ પછી તે હતાશ થઈને ફેંકાઈ ગઈ હોત પણ તેના બદલે મનુ ઝનૂન સાથે લડી અને દેશને ગૌરવ અપાવ્યું.
પહેલી ઘટના મનુ ૧૪ વર્ષની હતી ત્યારની છે.
મનુ હરિયાણાના ઝજ્જરની રહેવાસી છે. તેના પિતા રામકિશન મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર છે જ્યારે માતા સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. મનુના દાદા રાજકરણ ભાકરે સ્થાપેલી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં જ મનુ ભણેલી છે. મનુ એ રીતે આર્થિક રીતે સુખી પરિવારની દીકરી છે પણ શૂટિંગમાં એ બહુ મોડી આવી હતી.
મનુ ભાકર સ્કૂલના દિવસોમાં ટેનિસ, સ્કેટિંગ અને બોક્સિંગ સહિતની સ્પોર્ટસમાં હાથ અજમાવ્યો હતો. મનુ ભાકરે ‘થાન ટા’ માર્શલ આર્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીત્યો હતો. મનુ બોક્સર બનવા માગતી હતી ને પ્રેક્ટિસ કરતી હતી પણ એક વાર બોક્સિંગની પ્રેક્ટિસ દરમિયાન મનુ ભાકરને આંખમાં ગંભીર ઈજા થતાં તેની બોક્સિંગની સફર પૂરી થઈ હતી. બીજું કોઈ હોય તો હતાશ થઈ જાય પણ મનુએ હાર માન્યા વિના બોક્સિંગ છોડીને શૂટિગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.
મનુએ ૨૦૧૬માં ૧૪ વર્ષની ઉંમરે શૂટિંગમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો એ પાછળનું કારણ રિયો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય શૂટરોનો ખરાબ દેખાવ હતો. ભારત શૂટિંગમાં મેડલ ના જીતી શક્યું તેથી મનુને લાગ્યું કે, શૂટિંગમાં દેશ માટે કંઈક કરી બતાવવાની તક છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડે ૨૦૦૪માં સિલ્વર મેડલ જીતાડીને ભારતને શૂટિંગમાં પહેલો મેડલ જીતાડ્‌યો પછી ૨૦૦૮માં બીજીંગ ઓલિમ્પિક્સમાં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. અભિનવ બિન્દ્રા ભારત વતી વ્યક્તિગત રીતે ગોલ્ડ મેડલ જીતનારા પહેલા ખેલાડી હતા. ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક્સમાં વિજય કુમારે સિલ્વર મેડલ અને ગગન નારંગે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે સળંગ ત્રણ ઓલિમ્પિક્સમાં શૂટિંગમાં મેડલ જીતતાં ભારતીય શૂટિંગ ઓલિમ્પિક ગેમ્સમાં નવી ઉંચાઈઓ હાંસલ કરશે એવી આશા જાગી હતી પણ કમનસીબે એવું થયું નહીં. ૨૦૧૬ની રીયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય શૂટર ખાલી હાથે પાછા આવ્યા હતા. આ કારણે મનુને શૂટિંગમાં તક દેખાઈ.
મનુએ પિતા રામ કિશન ભાકરને એક અઠવાડિયામાં શૂટિંગની પ્રેક્ટિસ માટે પિસ્તોલ લાવી આપવા કહ્યું. રામ કિશન ભાકરે દીકરીની ઈચ્છા પૂરી કરીને પિસ્તોલ ખરીદીને આપી ત્યારે મનુએ પિતાને વચન આપેલું કે, આ પિસ્તોલની મદદથી પોતે ઓલિમ્પિકમાં મેડલ લાવીને બતાવશે.
આ વચન મનુએ પૂરું કર્યું છે.
એપ્રિલ ૨૦૧૬માં પહેલીવાર મનુ શૂટિંગ રેન્જમાં પહોંચી તેના માત્ર ૧૫ દિવસ પછી મનુએ હરિયાણા ઓપન ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૧૭માં એશિયન જુનિયર ચેમ્પિયનશિપનો સિલ્વર મેડલ જીત્યો. નેશનલ ચેમ્પિયનશિપમાં દિગ્ગજ શૂટર હિના સિંધુને હરાવીને ઘણાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ૯ ગોલ્ડ જીત્યા હતા. ૨૦૧૮માં મનુએ કોમનવેલ્થ ગેમ્સ અને યુથ ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૧૮માં જુનિયર વર્લ્ડકપમાં પણ ૩ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ દેખાવના જોરે ટોક્યો ઓલિમ્પિકસ માટે મનુ ક્વોલિફાય થઈ.

મનુના જીવનની બીજી મહત્વની ઘટના ૨૦૨૧ના ટોક્યો ઓલિમ્પિક્સની છે. ટોક્યો ઓલિમ્પિક ગેઈમ્સ મનુ માટે દુઃસ્વપ્ન સમાન હતી. મનુ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૧૨મા સ્થાને રહી હતી અને ફેંકાઈ ગઈ હતી. ટોક્યો ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ તૂટી જતાં તે પૂરા શોટ્‌સ પણ નહોતી મારી શકી. મનુની પિસ્તોલ રીપેર થવામાં ૨૦ મિનિટ લાગી હતી. એ દરમિયાન અડધી ગેમ પૂરી થઈ ગઈ હતી. પિસ્તોલ રિપેર થઈ ગયા પછી મનુ માત્ર ૧૪ શોટ ફાયર કરી શકી અને આખી ગેમ રમ્યા પહેલાં જ હારીને ફાઈનલ માટેની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મનુ માટે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ ઘોર નિરાશાની પળ હતી પણ હતાશ થયા વિના મનુએ મહેનત ચાલુ રાખી. પોતે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતી શકે છે એ વાતમાં તેને પૂરો ભરોસો હતો તેથી હાર્યા વિના મહેનત ચાલુ રાખી અને પેરિસમાં ત્રણ વર્ષ પછી તેણે માત્ર જબરદસ્ત પુનરાગમન જ નથી કર્યું પણ ઓલિમ્પિકમાં મેડલ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. મનુએ સાબિત કર્યું છે કે, ટોક્યો ઓલિમ્પિક્સમાં પિસ્તોલ ના તૂટી હોત તો ભારત માટે મેડલ જીતવામાં સફળ થઈ ગઈ હોત. મનુ ભાકરે હતાશ થયા વિના બતાવેલી લડાયકતા બદલ સલામ મારવી જોઈએ.

મનુએ મેદાન બહાર બતાવેલી લડાયકતાને પણ સલામ મારવી જોઈએ.
ભારતમાં સામાન્ય રીતે સત્તામાં બેઠેલાં લોકો સામે શિંગડાં ભેરવવાનું કોઈ પસંદ કરતું નથી. આપણા કુશ્તીબાજોએ ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ કુશ્તીબાજ દીકરીઓની જાતિય સતામણી કરે છે એ મુદ્દે અવાજ ઉઠાવ્યો તો પણ કોઈએ તેમને સાથ ના આપ્યો. મનુએ પણ એવી હિંમત બતાવી હતી.
મનુ ભાકરે ઓક્ટોબર ૨૦૧૮માં યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે મનુને બે કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. અનિલ વિજે પોસ્ટ એલાન કરેલું કે, હરિયાણામાં અગાઉની સરકારો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના વિજેતાઓને માત્ર ૧૦ લાખ રૂપિયા આપતી હતી ત્યારે યુથ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ મનુ ભાકરને રાજ્ય સરકાર મનુ ભાકરને ૨ કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપશે.
વીજે આ જાહેરાત કરીને વાહવાહી લૂંટી લીધી પણ ઈનામની રકમ ના અપાતાં મનુ ભાકરે ૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ વીજની જૂની પોસ્ટ મૂકીને લખ્યું કે, સર, મરેહબાની કરીને આ વાત સાચી છે અને માત્ર જુમલો નથી એ સ્પષ્ટતા કરો. ભાકરે તેની પોસ્ટ સાથે વિજની ટ્‌વીટનો સ્ક્રીનશોટ પણ શેર કરતાં અનિલ વીજ તમતમી ગયા હતા. વીજે નારાજ થઈને લખ્યું કે, ખેલાડીઓમાં શિસ્ત હોવી જોઈએ અને આ વિવાદ સર્જવા બદલ ભાકરે માફી માંગવી જોઈએ. તેણે હજુ લાંબી મજલ કાપવાની છે ત્યારે તેણે માત્ર તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.બીજી પોસ્ટમાં વીજે લખ્યું કે, મનુ ભાકરે આ મુદ્દાને જાહેરમાં ઉઠાવતાં પહેલાં સ્પોટ્‌ર્સ વિભાગને પૂછવું જોઈતું હતું.મનુએ આ પોસ્ટ મૂકી તેના થોડાક દિવસમાં જ તેને ૨ કરોડ રૂપિયા મળી ગયા હતા.