ભારત આધ્યાત્મિક દેશ છે. જીવનનાં નાનાં મોટા બધાં કાર્યો, ઘટનાઓ, વ્યવહારોની યથાર્થ સમજણ આપણને અધ્યાત્મમાંથી જ મળે છે. તેથી જ અન્નને આપણે જડ પદાર્થ માનતા નથી અને અન્નસેવનની ક્રિયાને આપણે માત્ર ઉદરભરણની ક્રિયા માનતા નથી. આખી સૃષ્ટિને ટકાવનાર અન્ન છે તેથી તેની મહત્તા આપણે સર્વત્ર સ્વીકારેલી છે.
પૃથ્વી ઉપર જન્મેલા દરેક જીવ માટે આહાર ખૂબ આવશ્યક છે કારણ કે આહારથી જ વર્ણ, બળ, તેજ, વૃદ્ધિ અને વિકાસ થાય છે. તેથી આહારને સુંદર, સ્વચ્છ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવી આરોગવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે અન્ન સર્વોષધિ છે. તૈત્તિરીયોપનિષદની ભૃગુવલ્લીમાં અન્ન શબ્દની વ્યુત્પત્તિ આપતાં કહ્યું છે કે અન્ન પ્રાણીઓ દ્વારા ખવાય છે અને તે પણ પ્રાણીઓને ખાય છે. અન્ન ભોજ્ય અને ભોક્તા બન્ને છે. જે કોઈ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે તે બધાં અન્નથી જ ઉત્પન્ન થાય છે. તે અન્નથી જ જીવે છે ને તેમાંજ લય પામે છે. સામાન્ય ભાષામાં કહીએ તો અન્નમયકોષ એટલે શરીર. રસની દ્રષ્ટિએ આહારનું વર્ગીકરણ છ પ્રકારે છે. મીઠા, ખારા, ખાટા, તીખા, કડવા અને તૂરા. સ્વરૂપની દ્રષ્ટિએ પણ છ પ્રકાર છે. ભક્ષ્ય (દાંત વડે ચાવીને ખવાય તે), ભોજ્ય (ભોજન કરવા યોગ્ય), પેય (પીવા યોગ્ય હોય તે), ચર્વ્ય (કોતરીને ખવાય તે), ચોષ્ય (ચૂસીને ખવાય તે) અને લેહ્ય (ચાટીને ખવાય તે).
પંચકોષાત્મક વ્યક્તિત્વ અને અન્નમય કોષઃ-
આપણે કહીએ છીએ કે અન્ન એવો ઓડકાર અથવા અન્ન એવું મન અને મન એવું જીવન. સામાન્ય ભાષામાં કહીએ તો અન્નમય કોષ એટલે શરીર. પાંચેય કોષના વિકાસમાં સંતુલિત ભોજનનું ખૂબ મહ¥વ છે. શરીર હુષ્ટપુષ્ટ કે ક્ષીણ થાય એનો આધાર આહાર ઉપર જ છે. જેમ શરીર અને પ્રાણની શક્તિ માટે પૌષ્ટિક આહાર જોઈએ તેમ મનની શક્તિ માટે સાત્વિક આહાર લેવો જોઈએ. બુદ્ધિ તેજસ્વી બનાવવી હોય તો સાત્વિક અને પોષણયુક્ત આહાર જોઈએ. જો આહાર સારો ન હોય તો બુદ્ધિ ન ખીલે. બુદ્ધિ અને ચિત્ત બંને સારી સ્થિતિમાં રાખવું હોય તો આહાર શુદ્ધ, સાત્વિક, તાજો અને પૌષ્ટિક રાખવો જોઈએ.
મનુષ્યની પ્રકૃતિ અનુસાર આહારના પ્રકારઃ-
મનુષ્યની પ્રકૃતિ અનુસાર આહારને ત્રણ ભાગમાં વહેંચ્યા છે.
૧. સાિ¥વક આહાર- આ પ્રકારના આહારમાં જીવનશક્તિ, બળ, આરોગ્ય અને પ્રસન્નતા વધારનારા તથા રસવાળા, ચીકણા, જલ્દી ન બગડનારા પદાર્થોનો સમાવેશ થાય છે.
૨. રાજસિક આહારઃ- આ પ્રકારના આહારમાં અત્યંત ખારા, ખાટા, તીખા, ખૂબ જ ગરમ અને પેટમાં પીડા કરનારા તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનારા પદાર્થોનો સમાવેશ થાય છે.
૩. તામસિક આહારઃ- વિકૃત અથવા અડધું રાંધેલું, રસરહિત, દુર્ગંધયુક્ત, વાસી, એઠું મૂકેલું આવા ભોજનને તામસિક ભોજન કહે છે.
ઉપરોક્ત ત્રણેય ભોજન વિશે આપણે વિગતવાર જાણીશું. (ક્રમશઃ)