ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીન મંગળવારે
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા.સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આ કેસમાં અઝહરુદ્દીનની પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું.
સફેદ કુર્તા-પાયજામામાં સજ્જ અઝહરુદ્દીન સવારે લગભગ ૧૧ વાગે હૈદરાબાદના ફતેહ મેદાન રોડ પર આવેલી ઈડી ઓફિસ પહોંચ્યો હતો. તેમની લીગલ ટીમ પણ તેમની સાથે હતી. ૬૧ વર્ષીય ભૂતપૂર્વ સાંસદને શરૂઆતમાં ૩ ઓક્ટોબરે એજન્સી સમક્ષ તેની ઓફિસમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે નવી તારીખ માંગી હતી અને તેથી તેમને ૮ ઓક્ટોબરે બોલાવવામાં આવ્યા હતા. આ તપાસ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ સાથે સંબંધિત છે, જેમાં ઈડીએ ગયા વર્ષે નવેમ્બરમાં સર્ચ હાથ ધર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે એચસીએ પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન અઝહરુદ્દીનની ભૂમિકા એજન્સીના સ્કેનર હેઠળ છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અસફળ લડી ચૂકેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. ગયા વર્ષે તેલંગાણા પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યા બાદ, તેણે કહ્યું હતું કે તેના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા અને કાવતરાનો ભાગ છે. તે માત્ર તેના હરીફો દ્વારા તેની પ્રતિષ્ઠાને બગાડવાનો એક સ્ટંટ હતો.
મની લોન્ડરિંગ કેસ તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એચસીએના રૂ. ૨૦ કરોડના કથિત ગુનાહિત ગેરઉપયોગના સંબંધમાં દાખલ કરાયેલી ત્રણ એફઆઇઆર અને ચાર્જશીટથી સંબંધિત છે. ઇડીએ કહ્યું હતું કે ગયા વર્ષે પાડવામાં આવેલા દરોડામાં ડિજિટલ ઉપકરણો, ‘ગુનાહિત’ દસ્તાવેજા અને ૧૦.૩૯ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા નાણાની લેવડ-દેવડનો કોઈ હિસાબ નહોતો. અઝહરુદ્દીને ૨૦૦૯માં ઉત્તર પ્રદેશની મુરાદાબાદ લોકસભા સીટ પરથી જીતીને પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેઓ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પણ છે.
અઝહરુદ્દીને ભારત માટે ૯૯ ટેસ્ટ અને ૩૩૪ વનડે રમ્યા છે. તેણે ટેસ્ટમાં ૪૫.૦૪ની એવરેજથી ૬૨૧૫ રન અને વનડેમાં ૩૬.૯૨ની એવરેજથી ૯૩૭૮ રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે ૨૨ સદી અને ૨૧ અડધી સદી ફટકારી હતી જ્યારે વનડેમાં તેણે સાત સદી અને ૫૮ અડધી સદી ફટકારી હતી. આ સિવાય અઝહરુદ્દીને વનડેમાં પણ ૧૨ વિકેટ ઝડપી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ટેસ્ટમાં ૧૯૯ રન અને વનડેમાં ૧૫૩ રન છે. અઝહરુદ્દીને ૧૯૯૨, ૧૯૯૬ અને ૧૯૯૯માં ત્રણ વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયાની કેપ્ટનશિપ પણ કરી છે.
૧૯૯૦માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે શ્રીકાંતની જગ્યાએ અઝહરુદ્દીનને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે ૯૦ના દાયકામાં મોટાભાગની વનડે અને ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું અને તે ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. તેણે કેપ્ટન તરીકે ૧૦૩ વનડે મેચ અને ૧૪ ટેસ્ટ જીતી હતી. તેની ક્રિકેટ કારકિર્દીનો અંતિમ તબક્કો મુશ્કેલીઓથી ભરેલો હતો.
વર્ષ ૨૦૦૦માં અઝહરુદ્દીન પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. ત્યારપછી સાઉથ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોન્યેએ મેચ ફિક્સિંગ અંગેના પોતાના કબૂલાતમાં સંકેત આપ્યો હતો કે અઝહરુદ્દીને તેને કેટલાક બુકીઓ સાથે પરિચય કરાવ્યો હતો. ભારતની પ્રીમિયર તપાસ એજન્સી, સેન્ટ્રલ બ્યુરો આૅફ ઇન્વેસ્ટીગેશન, વિશ્વ ક્રિકેટની સ્થિતિ પર એક નિરાશાજનક અહેવાલની તપાસ કરી અને પ્રકાશિત કર્યો જેમાં અગ્રણી ભારતીય ક્રિકેટરોના નામ સામેલ હતા. આમાં અઝહરનું નામ ટોચ પર હતું. નિર્દોષતાની અરજી કરવા છતાં,બીસીસીઆઇએ ૨૦૦૦ માં તેના પર આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ ૧૯ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ કોંગ્રેસ પાર્ટીમાં જાડાયા અને તેમની રાજકીય સફર શરૂ કરી.