ગીર સોમનાથ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે આહીર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાની તરફેણમાં સર્વે સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવીને તેમનું સમર્થન કર્યું છે. પ્રભાસ પાટણ પોલીસે હીરાભાઈને પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેમની અટકાયત કરતા આ વિવાદ વકર્યો છે. આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મનરેગા કૌભાંડમાં હીરાભાઈ કે તેમના પરિવારની કોઈ સીધી સંડોવણી નથી. જે પેઢીમાં આ કૌભાંડ થયું છે તેમાં તેઓ કે તેમનો પરિવાર માલિક કે ભાગીદાર પણ નથી. તેમ છતાં, એક વ્યક્તિના કહેવાથી તેમની સામે પ્રાથમિક માહિતી રિપોર્ટ નોંધવામાં આવી છે. ઉનાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ આરોપ મૂકવામાં આવ્યો છે કે હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી છે. આ કાર્યવાહી તેમના જાહેરજીવનને ખતમ કરવા માટે રચવામાં આવેલું એક વ્યવસ્થિત ષડયંત્ર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.







































