વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, ‘ડા. મનમોહન સિંહજીનું નિધન અત્યંત દુઃખદ છે. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે તેમણે કહ્યું કે મનમોહન સિંહે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યો છે.
પીએમ મોદીએ કહ્યું, ‘મનમોહન સિંહનું જીવન તેમની ઈમાનદારી અને સાદગીનું પ્રતિબિંબ હતું. તેઓ પ્રતિષ્ઠિત સંસદસભ્ય હતા. મનમોહન સિંહનું જીવન હંમેશા એ પાઠ શીખવશે કે કેવી રીતે વંચિતતા અને સંઘર્ષથી ઉપર ઊઠીને સફળતા મેળવી શકે છે. તે જ સમયે, ગુરુવારે રાત્રે મનમોહન સિંહના નિધનના સમાચાર મળ્યા પછી, પીએમ મોદીએ એક ભાવનાત્મક સંદેશ લખ્યો હતો. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ‘ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડા. મનમોહન સિંહ જીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. સામાન્ય પશ્ચાદભૂમાંથી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણાપ્રધાન સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષોથી અમારી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમના હસ્તક્ષેપ પણ ખૂબ વ્યવહારુ હતા. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મનમોહન સિંહના પાર્થિવદેહને તેમના નિવાસે પહોંચીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે શુક્રવારના રોજ યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે, જેમાં પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.