અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલે મતગણતરી હાથધરવામાં આવશે અને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, અમદાવાદ શહેરમાં મતગણતરી કેન્દ્રો પર ૧૫ પીઆઇ સહિત કુલ ૬૦૦ પોલીસકર્મીઓનો લોખંડી પહેરો રહેશે અને શાંતિપૂર્ણ માહોલમાં ગણતરી થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે, આવતીકાલે આવનારા મહાનગરપાલિકાના જંગના પરિણામો પર સૌની મીટ મંડાઈ રહી છે અને મતગણતરીના સ્ટાફને જરૂરી તાલીમ અને સૂચનાઓ અપાઈ છે, તો અત્યારથી જ પોલીસનો બંદોબસ્ત લાગી ગયો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ફિલ્ડમાં છે અને બંદોબસ્ત પર નજર રાખી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૮ વોર્ડની બે બેઠકો બિનહરીફ થતાં ૧૯૦ બેઠકો સામે ૬૫૨ ઉમેદાવારો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં લોકશાહીના મિશ્ર દ્રશ્યો જાવા મળ્યા હતા. સવારે ૭ વાગ્યે મતદાનનો પ્રારંભ અત્યંત ધીમી ગતિએ થયો હતો. શરૂઆતના કલાકોમાં પશ્ચિમ અમદાવાદના મતદાન મથકો પર સ્ટાફ મતદારોની રાહ જાતો બેસી રહ્યો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાં સવારથી જ મધ્યમ કતારો જાવા મળી હતી. સવારે નિરસ મતદાન બાદ બપોરે ૩ વાગ્યા પછી ‘રોકેટ ગતિ’ જાવા મળી અને સાંજ સુધીમાં ૪૬ ટકા મતદાન નોંધાયું હતું. જાકે, જેમ જેમ દિવસ ચઢતો ગયો અને ગરમીનો પારો વધ્યો, તેમ તેમ મતદાનની ટકાવારીમાં આશ્ચયંજનક ઉછાળો જાવા મળ્યો હતો.
પૂર્વમાં ઉત્સાહ અને પશ્ચિમમાં સુસ્તી વચ્ચે અનેક વિસ્તારોમાં ઈવીએમ ખોટકાયા અને મતદારોની લાંબી લાઈનો જાવા મળી હતી. વહીવટી તંત્રની બેદરકારી અને મતદાર યાદીના છબરડા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની હતી. રવિવારે લગ્નગાળાની પણ અસર જાવા મળી હતી. ઉપરાંત શનિવાર અને રવિવારની જાહેર રજાના લીધે લોકો બહારગામ ગયા હોવાની પણ મતદાન મથકો પર અસર વર્તાઈ હતી. અગાઉની ચૂંટણીમાં વર્ષ ૨૦૧૫માં ૪૬.૫૧ ટકા અને ૨૦૨૧માં ૪૨.૫૧ ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરી આવતીકાલે યોજાશે. ૩૮ લાખમાંથી ૯.૬૧ લાખ પુરુષ, ૩.૬૧ લાખ મહિલા મળી ૧૭.૨૩ લાખ મતદારોએ મતદાન કર્યું હતું.










































