બુદ્ધને કે મહાવીરને કદી એવો વિચાર પણ ન આવ્યો કે જેના કલ્યાણ માટે તેઓ તપ કરે છે એ માણસજાતમાં કોઈ પાત્રતા નથી. તેમણે યોગ્યતા જોયા વિના સહુની ઉપર અમૃત વર્ષા કરી અને એમ લાખો લોકો ધન્ય થયા. જેમણે કારણે કે અકારણે બીજાઓનું સદાય કલ્યાણ જ કરવું છે એમનું એકાન્ત મહાન સાધુપુરુષો કે ઈન્દ્રાદિક દેવો જેવું વિશુદ્ધ હોય છે. રામ એમના અવતારના આયુષ્યકાળમાં જેટલા યુદ્ધ બહાર લડ્‌યા છે એનાથી ક્યાંય અધિક યુદ્ધ તો તેઓ પોતાની ભીતર લડ્‌યા છે અને રામના ભીતરી યુદ્ધોની તો અણકથિત એક અલગ જ રામાયણ છે. એ જ રીતે આપડે દરેક મનુષ્યો પણ મનના મોરચે એક સાથે અનેક જંગ છેડી બેઠાં હોઈએ છીએ. એ હદ અને સરહદ જ્યાં સુધી શાન્ત ન થાય ત્યાં સુધી અનહદમાં કેમ પ્રવેશ થાય ? અને અનહદને ઓળખ્યા વિના એકાન્ત વિશુદ્ધરૂપે માણી શકાતું નથી.અનેક લોકો વાનરવૃત્તિથી એકાન્તે પોતાના ઘા પર જ નખ ફેરવે છે ને એ રીતે જગતે આપેલા ઘા ને જાતે જ વધુ ગહેરો કરે છે. વાનરને ક્યાંય ઈજા થાય તો પછી એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. કારણ કે જરાક જેટલી ઈજાને એ ભીષણ અને વિકરાળ બનાવી મૂકે છે. અભાવો અને આઘાતોને મમળાવતી કે ચોકલેટની જેમ ચગળતી વ્યક્તિએ પતન માટે કોઈ ઠેંસ ખાવાની જરૂર નથી કારણ કે એ સ્વયંથી જ સ્વયંને પછાડે છે. એવા લોકોને શત્રુની પણ જરૂર હોતી નથી. એની સામે એક વર્ગ એવો છે જે એકાન્તે તરંગોમાં જ વિહાર કરે છે. વિચાર અને તરંગમાં તફાવત છે. તરંગો જે રીતે ઉછળે એ જ રીતે પાછા શમી જાય. તરંગો આવે અને જાય. પરંતુ વિચારમાં અખંડ શક્તિ છે. એટલે જ કહેવાય છે કે કોઈ પણ શુભ વિચારને આ બ્રહ્માણ્ડની શક્તિનું સમર્થન મળે છે.આજે એકાન્તમાં જે ચિંતવન કરો એ જ આગળ જતાં તમારા ચિત્તવન પર છવાઈ જાય છે. આજના વિચારો આપણી આવતીકાલને ઘડે છે. લોકો આવતીકાલ માટે બહુ સારી કલ્પના ને ચાહના ભલે રાખે પરંતુ એને અનુરૂપ જો તેઓનો વિચારલોક ન હોય તો એક પણ સપનું સાકાર થતું નથી. કેટલાક લોકો એમ માને છે કે વિચારથી શું.? પરંતુ ખરેખર તો વિચાર જ ઘટનાઓમાં રૂપાંતરિત થવાના હોય છે. એકાન્તનો જેને અનુરાગ હોય એ સાધુતાના રસ્તે આગળ ધપી શકે. ખરા સાધુને કોઈનોય સંગ ન ખપે. ન શિષ્યોનો કે ન ગુરુજનોનો. હિમાલયમાં આજે પણ અનેક એવા અસંગ સાધુઓ છે. જે એકાન્તનું જ પાન કરે છે. આપણે માટે એકાન્ત એટલું સુગમ નથી. લોકો ટ્રેનના પ્રવાસમાં પણ શાન્તિથી બેસી શકતા નથી. ગમે તેની સાથે વાતોના તડાકા ચાલુ કરી દે છે. કેટલાક લોકોને કોઈ પણ કામકાજ વિના જુદા જુદા લોકોને ફોન કરીને વાતોના વડા બનાવવામાં એટલો રસ હોય છે કે તેમના પગ નીચેથી સાપ પસાર થતો હોય તો પણ એમનું ધ્યાન ન પડે. જે રીતે ઘરનો ભૂખ્યો આ દુનિયામાં ક્યાંય ધરાય નહિ એ રીતે જાતના દુઃખ્યા ગમે તેટલા બહાર ભટકે પણ એમ સુખ કંઈ પારકે ટોડલે ટિંગાયેલું જડવાનું હોતું નથી. માણસ જાત બહુ જ અજબ છે. પહેલા અભિમાન પછી એમાં ભૂલ અને પછી એનો દોષ બીજાને આપવાની પ્રયુક્તિ. ખરેખર આ સંસારમાં વિવેક જેવું ટોનિક એકેય નથી. રોજ સવારે એક એક ચમચી મગજની માલિપા ઉતારીએ તો આખો દિવસ લીલ્લોછમ થઈ જાય. પણ એકાંતની ઉપાસના વિના વિવેકનો અંતઃકરણે પ્રાદુર્ભાવ થવો આસાન નથી.નડિયાદમાં પૂજ્ય મોટાએ આખા ગુજરાતને એકાંતનો બોધ આપ્યો. તેઓ પોતે એકાન્તના અખંડ ઉપાસક. એમને કારણે ઘણા લોકો એકાન્ત તરફ વળ્યા. એકાન્તનો બીજો એક ઉપાય મૌન પણ છે. બધા વચ્ચે હો તો પણ મૌન જ તમને ટોળા વચ્ચેય એકાંત આપે. કેટલાક લોકો મૌન રહે અને પાટીપેન સાથે રાખે. આખો દિવસ એમાં લખલખ કરે. આવા નાટ્યાત્મક એકાંતનો કોઈ અર્થ નથી. મૌન તો છે જ મનને શાંત કરવા માટેની ઔષધિ. હવે જો તમારી લખાપટ્ટી ચાલુ જ રહેવાની હોય તો એ એક પ્રકારની લિખિત બકબકાવલિ જ છે.એના કરતા તો બોલવું સારું. મૌન એકાન્ત આપે છે ને આપણને આપડો પોતાનો પરિચય પણ કરાવે છે. જેઓ વારંવાર મૌન પાળતા હોય એમના હૈયા કૂણા પડવા લાગે છે. સપનેય તેઓ કોઈને નુકસાન ન કરી શકે. આ જો કે એક રીતે અલખનો પથ છે. બહુ કંટકછાયો કેડો કહેવાય. કારણ કે અહમ્‌ ને મૂકીને હાલવાનું છે. એ ભલે બધા સંસારીઓ માટે સુગમ ન હોય પણ કંયેક એની અજમાયશ કરવા જેવી ખરી. એક જમાનામાં આપણા ગુજરાતમાં દર શનિવારે મૌન રાખતા અનેક લોકો હતા. શનિવારે જૂની પેઢીના લોકો મૌન પાળતા. પછી ધીરે ધીરે યુગનો પ્રવાહ પલટાયો. બહુ બોલનારા અને ઓછામાં ઓછું કામ કરનારા લોકો આવ્યા. આજે પણ બહુસંખ્ય લોકોમાં બકબકાટ જોવા મળે છે.તેઓ સર્વજ્ઞાની હોય એવી રીતે જ વર્તન કરે છે. ગમે તે વિષય પર ફેકમફેંક ચાલુ જ રાખે છે. તમારી ઓફિસમાં કોઈક કામમાં તમારી મદદ લેવા આવે ત્યાં પણ તેઓ તમને સલાહ આપવા લાગે. ઈશાન અને વાયવ્યનો તફાવત જેને ખબર નથી એવા લોકો તમને ઘરે આવીને વાસ્તુની સલાહ આપવા લાગે છે. આપણે સંબંધોમાં એ બધો બકવાસ ખરેખર સાંભળી લેવાની જરૂર નથી. એમને રોકવા જાઈએ અને કહેવું જોઈએ કે આપણે મુખ્ય અને મહત્વની વાત જ કરીએ, એનાથી તમારો અને અમારો એમ બેવડો સમય બચશે. પણ તેઓ નાકે ન-કટા હોય છે. તમારા કહેવાનો એમના પર ભાગ્યે જ પ્રભાવ પડે.તેઓ તમારા સંતાનોને ભણવા વિશે અને તમને સાંજે ચાલવા જવા વિશે રદ્દી ભાષણ આપતા પણ અચકાતા નથી. હવે આવા લોકોની સંખ્યા દુર્ભાગ્યે આપણા સમાજમાં વધી છે અને એ એક પ્રકારનું પ્રદૂષણ છે. એકાન્ત ખરેખર તો નિજાનંદનો મહોત્સવ છે. જેને એકલવાયું ન લાગે એ જ એકાન્ત માણી શકે. જવાહરલાલ વરસો સુધી જેલમાં રહ્યા. તેમણે જેલર બ્રિટિશ અધિકારીઓને કહીને હિમાલયના ફોટોગ્રાફ મેળવ્યા. જેલના ઘનઘોર એકાંતમાં જવાહરલાલ સદાય હિમાલયની છબીઓ સામે દિવસ અને રાત ટગર ટગર જોયા કરતા. એમણે આત્મકથામાં લખ્યું છે કે મને હિમાલયે જ હૈયાધારણ આપી અને એનાથી મારો આત્મા બુલંદ બન્યો. સામાન્ય રીતે જેલનું એકાન્ત કોઈ માણી શકતું નથી. કારણ કે એ સજા હોય એ છે. પરંતુ જવાહરલાલે જેલમાં એક મહાન ભારતીય રાજનેતા તરીકે પોતાની હેસિયત અભિવૃદ્ધ કરી. એ કમાલ ખરેખર એકાન્તનો ઉત્સવ કરવાની તેમની જીવનશૈલી છે.