ગુજરાતીઓને દારૂ પીવો હોય તો પાડોશી રાજ્યો કામમાં આવે છે. ઉત્તર ગુજરાતવાળા રાજસ્થાન જાય. મધ્ય ગુજરાતવાળા મધ્ય પ્રદેશ જાય. દક્ષિણ ગુજરાતવાળા મહારાષ્ટ્ર જાય. પરંતુ આ વચ્ચે એક નવું પિક્ચર જોવા મળ્યું છે. ગુજરાતીઓને દારૂ પીવા માટે રાજ્ય બહારની બોર્ડર પર ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ગુજરાતને અડીને આવેલ મધ્ય પ્રદેશના સરહદની વિસ્તારના આદિવાસી વિસ્તારોમાં જબરદસ્ત મોટો બદલાવ આવી રહ્યો છે. આ આદિવાસી વિસ્તારો, જ્યાં શિક્ષણ, રોજગારી, મેડિકલ સુવિધાની જરૂર છે, ત્યાં તસ્કરીનો અઘોષિત કારિડોર બનાવવામાં આવી રહ્યો છે.

મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લામાં દારૂની દુકાનોની વહેંચણી કરવામાં આવી રહી છે. જ્યાં આ દુકાનો બનશે તે વિસ્તાર ગુજરાતની સરહદથી માત્ર ૫ કિલોમીટરથી ૫૦૦ મીટર દૂર આવેલો છે, જેથી ગુજરાતીઓ સરળતાથી પહોંચી શકે. ત્યારે દારૂની દુકાનોની હરાજી દરમિયાન કરોડોની બોલી લાગી હતી. જે ગામની વસ્તી માંડ ૧૫૦૦ થી ૫ હજારની હશે, ત્યાં દારૂની દુકાન માટે ૧૨ થી ૧૬ કરોડની બોલી લાગી.  જ્યાંની વસ્તી માંડ હજારની સંખ્યામાં છે, ત્યાં કરોડોની બોલી લાગે એટલે દારૂની ખપત પર સવાલો થાય. આ સવાલ સીધી રીતે ગુજરાતમાં સંભવિત દારૂની તસ્કરી માટે આંગળી ચીંધે છે.

જે રીતે દુકાન માટે કરોડોની બોલી લાગી છે, અને જે રીતે આ વિસ્તારની વસ્તી સરકારી ચોપડે નોંધાઈ છે, તે જોતા દુકાનદાર કરોડો રૂપિયા ક્યાંથી કમાવશે. એટલે સ્વભાવિક રીતે જ આ વિસ્તારમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક વધી જાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી તરફ જોઈએ તો, મધ્ય પ્રદેશ અને ગુજરાત બંનેમાં પણ ભાજપની સરકાર છે.

મધ્ય પ્રદેશના માનાવારના ધારસભ્ય ડો.હીરાલાલ અલાવાએ આરોપ મૂકતા કહ્યું કે, દારૂની નીતિ કે આદિવાસી સમાજ સામે ષડયંત્ર? ગુજરાતની સરહદે આવેલા ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લાઓમાં દારૂની દુકાનો માટેના ટેન્ડરો કરોડોના છે – તેમ છતાં અહીંની ૫૦% થી વધુ વસ્તી બીપીએલ છે. ૨૫૦૦ની વસ્તી ધરાવતા માંડલી ગામમાં ૧૩ કરોડમાં દારૂની દુકાનની હરાજી? આ કેવું અર્થશાસ્ત્ર છે જ્યાં એક આદિવાસી ભૂખ્યો રહી શકે છે, પરંતુ સરકાર તેને દારૂ પીવા માટે યોગ્ય માને છે? શું આ માત્ર સંયોગ છે? અથવા સારી રીતે વિચારેલી વ્યૂહરચના, જેમાં સમગ્ર કોરિડોર દરેક જૂથને સોંપવામાં આવ્યા હતા. જે ધ્યાનમાં લેવામાં આવ્યું હતું તે વસ્તી નહીં પરંતુ ગુજરાતની દાણચોરીની સંભાવના હતી. સ્થાનિક વપરાશ નહીં, પરંતુ ગુજરાતમાં તેનો વપરાશ કરવાનું આયોજન છે. આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે. જનપ્રતિનિધિઓ કહી રહ્યા છે – આ સામાજિક અધોગતિનો માર્ગ છે. પરંતુ સરકાર કોઈ ધ્યાન આપતી નથી.

તેમણે આગળ કહ્યું કે, એક તરફ સરકાર જ દાણચોરીનો રસ્તો ખોલી રહી છે, જ્યારે કોઈ ગરીબ માછીમાર અજાણતા દેશી દારૂ વેચે તો તેની સામે કેસ થાય છે! આ બેવડી નીતિ નથી પરંતુ પાવર પ્રોટેક્ટેડ માફિયા સિસ્ટમ છે. બંધારણે આદિવાસીઓને રક્ષણ આપ્યું, સરકારે તેમને દાણચોરીનું સાધન બનાવ્યું. હવે જવાબ માંગવાનો સમય છે. આપણને શિક્ષણની જરૂર છે, દારૂની નહિ; આપણને પ્રગતિની જરૂર છે, દાણચોરીની નહીં.