તાજેતરમાં મધ્ય પ્રદેશ એડવાન્સ રુલિંગ ઓથોરિટીએ પાન મસાલા વેચતી દુકાનો જીએસટી કમ્પોઝિશન સ્કીમમાં જઇ શકે કે નહીં તેની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગુટખા અને પાન મસાલા ઉપર એક સરખી ડ્યૂટી લાગે પણ પાન મસાલાની દુકાનો કમ્પોઝિશન સ્કીમમાં ના જઇ શકે અને તેમણે ફૂલ રેટ એટલે કે ૧૮ અને ૨૮ ટકા જીએસટી ભરવો પડશે.
અરજદારે એડવાન્સ રુલિંગ ઓથોરિટીમાં રજૂઆત કરી હતી કે, તેમનું ટર્નઓવર રૂ. ૧.૫ કરોડની નીચે છે અને તેઓ મેન્યુફેકચરિંગનું કામ કરતા નથી. આવા કિસ્સામાં સરકારે નાના વેપારીઓને વેચાણ ઉપર ૧ ટકા જીએસટી ભરવાનો થાય કે વધુ? જવાબમાં એડવાન્સ રુલિંગ ઓથોરિટીએ જણાવ્યું કે, પાન-મસાલા અને તમાકુ પ્રોડક્ટ એચએસએન નંબર કમ્પોઝિશન સ્કીમની યાદીમાં આવતા નથી. વધારામાં ગલ્લાવાળા પાનની ગુટખા મેન્યુફેકચરિંગ કરતા હોય તેવી પ્રોસેસ જેવી કે સોપારી, ચૂનો કાથો અને તમાકુને મિક્સ કરીને મસાલા-પાન બનાવતા હોવાથી તેને મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ સાથે સરખાવી શકાય છે. જેથી ગલ્લા માલિકો કમ્પોઝિશન સ્કીમમાં જઇ શકે નહીં.
આમ આ સ્પષ્ટતા આવતા આવા મસાલા અને પાનનું વેચાણ કરતા વેપારીઓને ૨૮ ટકા જીએસટી ભરવાની નોબત આવશે. જ્યારે ગુટખા સિવાય પાન વેચતા વેપારીને ૧૮ ટકા જીએસટી ભરવાની જવાબદારી આવશે. આ ઉપરાંત સિગરેટ, બીડી અને તમાકુ ઉપર ૨૮ ટકા જીએસટી ભરવાની જવાબદારી આવશે. તેમજ અન્ય કટલરી વસ્તુઓના વેચાણ ઉપર ૧૮ ટકાના દરે જીએસટી ભરવો પડશે. આમ આ ચુકાદાના કારણે નાના વેપારીઓને ૨૦ થી ૨૫ ટકા જીએસટીનો માર પડશે.
પાન મસાલા અને તમાકુનું વેચાણ કરતા વેપારીઓને વાર્ષિક રૂ. ૪૦લાખના વેચાણની મુÂક્ત મર્યાદા આપવામાં નથી આવી. જેથી પહેલા વેચાણથી જ ૧૮ થી ૨૮ ટકા જીએસટી ભરવો પડશે. આ સ્પષ્ટતાના કારણે ૨૦૧૭થી પાન મસાલા દુકાનદારોને જીએસટી ભરવાની જવાબદારી આવી પડી છે. પાન મસાલા અને ગુટખા વેચતા દુકાનદારોને બેઝિક એકઝમશનનો લાભ ના હોવાથી પહેલા જ વેચાણથી જીએસટી નંબર લેવાની જવાબદારી ઊભી થાય છે. આ ઉપરાંત વેપારીઓએ તમાકુના વેચાણ ઉપર ૧૮ થી ૨૮ ટકા જીએસટી ઉઘરાવો પડશે અને ભરવો પડશે. આમ હવે નાના પાનના ગલ્લા ધારકોએ પણ હવે જીએસટી નંબર સાથે ધંધો કરવો ફરજીયાત બન્યો છે.