મદરેસા બોર્ડે મધ્યપ્રદેશના શ્યોપુરની ૫૬ મદરેસાની માન્યતા રદ કરી દીધી છે. જિલ્લા શિક્ષણ અધિકારી રવિન્દ્ર સિંહ તોમરના તપાસ રિપોર્ટ પર મદરેસા બોર્ડે આ પગલું ભર્યું છે. બોર્ડના આ પગલાથી ખળભળાટ મચી ગયો છે. શ્યોપુરમાં કુલ ૮૦ મદરેસા હતી, જેમાંથી ૫૬ એવી હતી કે જે ચાલી રહી ન હતી પરંતુ સરકાર પાસેથી ગ્રાન્ટ લઈ રહી હતી.
આ અંગેની ફરિયાદ અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારી રવિન્દ્ર સિંહ તોમર પાસે આવી હતી, ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ૫૬ મદરેસા નકલી હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ અહેવાલ ભોપાલ રાજ્ય શિક્ષણ કેન્દ્રને મોકલ્યો હતો, જેના આધારે મદરેસા બોર્ડે આ કાર્યવાહી કરી છે.
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી રવિન્દ્ર સિંહ તોમરનું કહેવું છે કે ૫૬ મદરેસા સ્થળ પર કાર્યરત ન હતા, આ અંગે અમારા દ્વારા રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, આના પર મદરેસા બોર્ડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. તે જ સમયે, મદરેસા બોર્ડની આ કાર્યવાહી પર કોંગ્રેસના નેતા અબ્બાસ હાફીઝે કહ્યું કે સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે મદરેસાને લઈને આવી રાજનીતિ કરી રહી છે. મદરેસા બોર્ડ હંમેશા તે મદરેસાઓ બંધ કરી રહ્યું છે જે ચલાવવામાં આવી રહી નથી. સરકાર એવી શાળાઓ અને કોલેજાની પણ ચિંતા કરે તો સારું રહેશે જ્યાં આવી સ્થિતિ છે.
શાળા શિક્ષણ મંત્રી ઉદય પ્રતાપ સિંહે કહ્યું કે મધ્યપ્રદેશમાં ચાલતી તમામ સરકારી-ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને મદરેસાઓની તપાસ કરવામાં આવી રહી છે. જે સંસ્થાઓને ગ્રાન્ટ આપવામાં આવી રહી છે તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. શ્યોપુર જિલ્લામાં ૮૦ થી વધુ મદરેસા ચાલી રહી છે, જેમાંથી ૫૬ મદરેસામાં કોઈપણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલી રહી નથી. તપાસ દરમિયાન આ મદરેસાઓમાંથી કોઈ વિદ્યાર્થીઓ મળ્યા નથી. ઘણી જગ્યાએ શાળાઓ જ મળી ન હતી. તપાસ બાદ તે તમામ મદરેસાઓની માન્યતા રદ કરવામાં આવી છે. અમારી સરકાર ડા.મોહન યાદવના નેતૃત્વમાં કોઈપણ ભેદભાવ વિના કામ કરી રહી છે.