ગુજરાતીમાં એક કહેવત છે “પારકી આશા સદા નિરાશા” તેનો ભાવાર્થ સમજવાની તાતી જરૂરી છે. ઝાઝા હાથ રળિયામણા એટલે તો પરિવારમાં ભેગા રહેવું, ભેગા જમવું અને ભેગા મળીને ભવોભવનું સારું કાર્ય નિર્માણ કરવું જેથી નવયુવાન પેઢીમાં પારિવારિક ભાવના કેળવાય અને અનુભવાય.
પદ્મશ્રી ભીખુદાન ગઢવી તેમના લોક સાહિત્ય ડાયરામાં અચૂક કહે છે કે વ્યક્તિને તકલીફ હોય ત્યારે તેને મદદ કરનારા વ્યક્તિ એક વખત એમ કહી દે ચિંતા ના કર બધું થઈ જશે. આટલું કહેવાથી તકલીફ વાળા વ્યક્તિને હૂંફ અને હવા બંને મળી રહે છે. ગણેશ તેમના કાર્યો નિર્વિÎન પૂર્ણ કરે છે.
કોઈકની મદદ માટે લાંબો કરેલો હાથ ચારધામની યાત્રા જેટલું પુણ્ય આપે છે. આ જીવન નાશવંત છે એટલે એકબીજાને મદદ કરતા રહીએ. પ્રભુએ આપેલી લક્ષ્મીને પ્રસાદ સમજી જરૂરિયાતમંદને આપવી તે સૌથી સારી બાબત છે. કેટલાક લક્ષ્મીચંદો હરામનું ભેગું કરે અને પેઢીને બરબાદ કરે તેવી સ્થિતિ સમાજમાં રોજબરોજ જોવા મળતી હોય છે. તમે જે મદદ કરો છો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત કુદરત પાછું આપે છે. મદદ કરવાનો સ્વભાવ અને ભાવ સતત રાખવો જેથી માનવ સમુદાયમાં સારો સંદેશ આપી શકાય છે.
૨૧મી સદી જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. ગમે તેટલો ભૌતિકવાદ આવશે પરંતુ માનવતાવાદ નહીં આવે તો આ પૃથ્વી ઉપર નરક જ છે. આજે દેખાવ અને આડંબરના કારણે માનવી પોતાની પ્રતિષ્ઠા વધારવા જે છે તે ગુમાવી રહ્યો છે. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને કોઈક સારા ધાર્મિક નિર્માણ કાર્યમાં તકતી મરાવે તેનો કોઈ અર્થ ખરો ? સંપ્રદાયના લોકો ખેડૂતોની જમીન હડપ કરીને તોતિંગ મંદિરો, મસ્જિદ અને ચર્ચ બનાવે તેનો કોઈ અર્થ ખરો ? શ્રેષ્ઠ સમાજ નિર્માણ કરવા માટે સમજ શક્તિ ખૂબ જરૂરી છે. વધુ ઉત્પાદન કરવા માટે વધુ ખાતર અને દવા નાખે અને ઉત્પાદન વધારે જેથી લોકો ખાય પછી રામ બોલો ભાઈ રામ..
ભારત આધ્યાત્મિકતા અને માનવતાવાદ ધરાવતો દેશ છે. આજે અનેક આપત્તિ વચ્ચે લોકો જીવે છે. એકબીજાને મદદ કરવી તે મોટો ધર્મ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે “જે ધર્મ વિધવા અને ગરીબના આંસુ લૂછી શકતો નથી તે ધર્મમાં હું માનતો નથી”. આજે ગરીબ હોવાનો ડોળ કરીને પંડિત દિન દયાલ સરકારી અનાજની દુકાનમાંથી મફતનું ખાઈને દેશને બરબાદ કરવા સિવાયનું કોઈ કાર્ય થતું નથી. ગરીબની વ્યાખ્યા શું હોઈ શકે ? જમીન, બાઇક, ટ્રેક્ટર, પાકું મકાન અને આવકનો સારો સ્ત્રોત તેમ છતાં બીપીએલ કાર્ડ મામલતદાર કચેરી કાઢી આપે છે તેમને રાષ્ટ્રધર્મના વ્યક્તિ કહી શકાય ? જરૂરિયાતને મદદ કરવી તે મોટો ધર્મ છે. પરંતુ મફતની ખાવાની ટેવ દેશને બરબાદીની ખાઈમાં લઈ જાય છે. સરકાર પણ વોટ લેવા માટે લોકોને મફત ખવડાવીને કમજોર બનાવી રહી છે. આ વાસ્તવિકતા છે. બીપીએલ કાર્ડનો સર્વે પ્રાઇવેટ એજન્સીને આપવાની જરૂર છે. પાસપોર્ટ કાઢવા માટે જેમ એજન્સી છે તેમ બીપીએલ કાર્ડ જરૂરિયાતવાળાને મળે તેવી જોગવાઈ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારના કારણે સરકારી કચેરીઓ આ રીતે રેશનિંગ કાર્ડમાં આવકના ધોરણ જોયા વગર સિક્કા મારી આપે છે અને જે અધિકારી સહી કરે છે તેની જવાબદારી ફિક્સ કરવાની જરૂર છે. પછી જુઓ રાતોરાત બોગસ રેશનિંગ કાર્ડ રદ થઈ જાય છે કે નહીં. દિવ્યાંગ હોય કે અનાથ હોય તેમને મદદ કરવાની જરૂર છે. ધર્મના નામે જે વ્હાઈટ ક્રાઈમ અને કરપ્શન થાય છે તે ઘટાડવાની અથવા તો દૂર કરવાની જરૂર છે. શિક્ષણનું મુખ્ય કાર્ય આદર્શ નાગરિકો નિર્માણ કરવાનું છે. ગમે તેટલી ટોપ લેવલની યુનિવર્સિટીઓ બનાવો પરંતુ નાગરિકો યોગ્ય રીતે નિર્માણ ન થાય તો તેનો કોઈ અર્થ ખરો ? વિકાસ કરવો હોય તો તમામ બાબતોનો માઈક્રો અભ્યાસ કરવો પડશે. આજે રોડ મોટા કરવા માટે મોટા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. પર્યાવરણનું સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે. કોરોના સમયે ઓક્સિજનની ઉણપનો અનુભવ માનવ સમુદાયે જોયો છે ત્યારે તેનો વિનાશ કરવો કેટલા અંશે યોગ્ય છે ? જેટલા કપાય છે તેટલા રોપાનું વાવેતર થતું નથી. કદાચ થાય ત્યારે તેનું સંવર્ધન થતું નથી. આજે કેટલીક સંસ્થાઓ મદદના ભાવે સેવા કરી રહી છે. વિનોબા ભાવે કહે છે “સેવા હી ઉપાસના હૈ” ગાંધીજીએ જનસમાજની સેવા કરી અને મોહનમાંથી મહાત્મા બની ગયા. સરદાર પટેલે મહિલા સંરક્ષણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓનું સમાનતાના ધોરણે સ્થાન હોવું જોઈએ તે માટે ઠરાવ કરાવ્યો. મદદ કરવાની ભાવના સતત તમારા દિલમાં વહ્યા કરવી જોઈએ. ભાવનાશીલ માણસનું હૃદય કુદરતી દેન હોય છે. જે વ્યક્તિ માટે અતુલ્ય પ્રેમ હોય તે તેના માટે સદાય સાચો સ્નેહ અને પ્રેમ રાખવો જોઈએ. એક વંદન અનેકના સ્વભાવ બદલી શકે છે. માણસે હંમેશા માનવતાના ધોરણે વર્તન કરવું જોઈએ. આ દુનિયામાં કશું જ સાથે આવવાનું નથી. તમારા કાર્યો જ તમારી વર્લ્ડ બેન્ક છે. Mo.૯૮૨૫૭૦૨૨૮૨