મથુરામાં પાછલા થોડા સમયથી વાતાવરણ સંવેદનશીલ બની ગયું છે. આ દરમિયાન અખિલ ભારત હિન્દુ મહાસભાએ જોહેરાત કરી છે કે, તેઓ ૧૦મી ડિસેમ્બરના રોજ મથુરાના શાહી ઈદગાહમાં ૧૦ મિનિટ સુધી ભગવાન કૃષ્ણની આરતી કરશે. આટલું જ નહીં, તેમણે ધમકી આપી છે કે જો પ્રશાસન તરફથી તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા હિન્દુ મહાસભાએ છઠ્ઠી ડિસેમ્બરના રોજ શાહી ઈદગાહમાં મૂર્તિ સ્થાપિત કરવાની જોહેરાત કરી હતી. નોંધનીય છે કે છ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક પ્રશાસન તરફથી મંજૂરી ન મળવાને કારણે મૂર્તિ સ્થાપિત કરવાના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો.
ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ(ડીએમ)ને પત્ર લખીને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્યશ્રી ચૌધરીએ કહ્યું કે, શાંતિ ડહોળાય નહીં તે કારણ જણાવીને છ ડિસેમ્બરના રોજ બાળગોપાલજીની પ્રતિમાને તેમના જન્મસ્થળમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહોતી આવી. હવે અમારી પ્રશાસનને વિનંતી છે કે ૧૦મી ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિવસ હોવાને કારણે અમને ૧૦ મિનિટ માટે ભગવાન કૃષ્ણના જન્મસ્થળે આરતી કરવાની મંજૂરી આપવામાં આવે. એસએસપી ગૌરવ ગ્રોવર જણાવે છે કે, પોલીસને આ પ્રકારની કોઈ અરજી હજી સુધી મળી નથી. અમે આ પ્રકારના કોઈ કાર્યક્રમને પહેલા પણ મંજૂરી નહોતી આપી અને ભવિષ્યમાં પણ નહીં આપીએ. ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ નવનીત સિંહે કહ્યું કે, શહેરની શાંતિ જળવાઈ રહે તે જરુરી છે અને અમે કોઈને આ પ્રકારની પ્રવૃત્તિની મંજૂરી નહીં આપીએ. શહેરના શાંતિપૂર્વક વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન કરનારા લોકો વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લખનઉના એક વકીલ અને પાંચ અન્ય લોકોએ મથુરા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ કરી હતી કે જે સ્થળ પર મસ્જિદ છે ત્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેમણે આ સ્થળ પર મંદિર બનાવવાની માંગ કરી હતી.