અમરેલી જિલ્લામાં અનેક પરપ્રાંતીયો રોજી રોટીની શોધમાં આવતા હોય છે. પરંતુ ક્યારેક તેમની સાથે આજીવન ન ભૂલી શકાય તેવી યાદો જોડાઈ જતી હોય છે. લાઠીના મતીરાળા ગામે ખરાબાની જમીનમાં કરેલા વાયરિંગમાં ચાદર ફસાઇ જતાં તેને કાઢવા ગયેલા એક યુવકનું મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના સનાપુર તાલુકાના ગુલબાર ફળીયાના અને હાલ મતીરાળા ગામની ખરાબાની જમીનમાં રહેતા શાયદાબેન પચાહા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ તેઓ તેમના પતિ હરમલભાઈ ભલ્લુભાઈ પચાહા અને પરિવારના સભ્યો સાથે મતીરાળા ગામે મજૂરી અર્થે આવ્યા હતા અને પડતરની જગ્યામાં ઝૂંપડા બાંધીને રહેતા હતા. બે દિવસ પહેલા સવારે સાત વાગ્યે તેમના પતિ કુદરતી હાજતે જવા નીકળ્યા હતા તે સમયે સરકારી પડતરની જગ્યામાં વૃક્ષારોપણ કર્યુ હતું અને તેમાં કરેલા વાયર ફેન્સિંગમાં ચાદર ફસાઈ જતાં તેને કાઢવા જતી વખતે વાયરને અડતાં અચાનક વીજ શોક લાગતાં મરણ પામ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પી.બી.લક્કડ વધુ તપાસ કરી રહ્યા છે.