અમરેલી શહેરમાં સિનિયર સિટીઝન્સ પાર્ક ખાતે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર એમ.કે. દ્રાબુ અને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયા અને ખર્ચ તેમજ ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન નોડલ અધિકારી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કબડ્ડી ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓએ મતદાન
જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે તૈયાર કરવામાં આવેલી કોલર ટ્યૂનનું જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ કોલર ટ્યૂન જિલ્લા ચૂંટણી-વહીવટી તંત્રના જિયો મોબાઇલ ધારક અધિકારીઓ અને કર્મચારીઓના મોબાઇલમાં વાગશે. અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અજય દહિયાએ કહ્યું મતદાન
જાગૃતિ અર્થે સ્વીપ અને ટી.આઈ.પી. અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લાના ૧૨ લાખ જેટલા નાગરિકો સુધી મતદાન
જાગૃતિનો સંદેશો પ્રસરાવવામાં આવ્યો છે. રમતના માધ્યમથી મતદાન જાગૃતિનો આ નવતર પ્રયોગ છે. મતદાનના દિવસે અમરેલી જિલ્લાના તમામ મતદાન મથકો પર પીવાનું ઠંડુ પાણી, ગરમીથી બચવા છાંયડો આપે તેવા શેડ, દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર, મતદાન મથકો પર સહાયકો, મહિલાઓ અને વરિષ્ઠ મતદારો માટે કતાર વ્યવસ્થાપન વગેરે આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રહેશે. દિવ્યાંગો માટે સક્ષમ એપ પરથી વ્હીલચેર બુક કરાવી શકાય છે અને સાથે સાથે તેમના માટે પરિવહનની સુવિધા પણ મેળવી શકાય છે.