ગઇકાલે યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું આવતી કાલ તા. ર૧ ના રોજ પરિણામ જાહેર થનાર છે ત્યારે કોડીનાર પોલીસ દ્વારા લોકોને વિજય સરઘસ ન કાઢવા અપીલ કરવામાં આવી છે. કોડીનાર પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકશાહીનું પર્વ એવી ગ્રામ પંચાયતની ચૂંટણી જનતાના ઉત્સાહ અને સાથ સહકારથી શાંતિપૂર્વક સંપન્ન થયેલ છે. આવતી કાલે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હોય, આવા વખતે વિજય સરઘસ નીકળતા હોય છે પરંતુ સરઘસમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થવું શક્ય નથી અને વૈશ્વિક મહામારી કોરોના તથા ઓમિક્રોન ફેલાવાની સંભાવના પણ રહેલી છે. જેથી વિજય સરઘસ કાઢવામાં ન આવે તેવી સર્વે નાગરિકો તેમજ ઉમેદવારોને કોડીનાર પોલીસ દ્વારા અપીલ કરાઇ છે.