અસલમાં બન્યું એવું હતું કે, માધવસરને ચોર ગણાવનાર માણસ માધવસરનાં કોઈ ક્લીગ્સ દ્વારા જ મોકલાયો હતો.  માધવસર ને જ્યારથી જાંબુવનની ગુફાનો પ્રોજેકટ મળ્યો  હતો ત્યારથી જ તે માણસ તેનો પીછો કરીને તેની બધી જ માહિતી તેનાં ક્લીગ્સને આપતો હતો. તેનાં ક્લીગ્સ માધવસર પર કોઈ પણ રીતે આરોપ નાખીને નોકરીમાંથી દૂર કરવા માંગતા હતાં. જ્યારે તેઓને માધવસરને ગુફામાંથી મણિ મળ્યો એ વાતની જાણ થઈ ત્યારે તેઓએ એવો જ એક નકલી હીરો લાવીને ઓફિસમાં રાખ્યો અને નકાબધારી કોઈ એને ચોરી કરતું હોય એવી કલીપ બનાવી. અને એ પોલીસને રજૂ કરી. અને એ હિરો પણ માધવસર પાસેથી જ મળ્યો એટલે માધવસર જ ચોર સાબિત થતાં હતાં.

 

માધવસર ખૂબ જ ચિંતિત થઈ આમથી તેમ જેલમાં જ આંટા મારતાંરહ્યા. પૂજારીજી ક્યાં ચાલ્યા ગયા હશે એની ચિંતા કરતાં રહ્યાં. એવામાં એક અવાજ સંભળાયો.

‘તમે આ નિર્દોષ વ્યકિતને પકડીને ભૂલ કરો છો સાહેબ. તેને કશું જ ચોરી નથી કરી, પણ એ તો મારી રજા લઈને જ હીરો લઈ જતો હતો. છોડી દો તેને. માધવસરે બહાર જોયું તો પૂજારીજી બોલતાં હતા. માધવસર તો રીતસર રડવા લાગ્યાં… બાપુ…બાપુ તમે ક્યાં હતાં? મને તો આ લોકોએ ખોટો ફસાવી દીધો છે. એમ કહી રડવા લાગ્યા.

 

હવે ઓફિસરે પૂજારીજીની પુછતાછ આદરી. ‘તમે જ એ મંદિરના પૂજારી છો, તો એ હીરો ત્યાંનો છે અને તમે જ એ એને આપ્યો હતો એની સાબિતી પણ રજૂ કરવી પડશે.’અને પૂજારીજીએ તો પોતાની જોળીમાંથી એક ફોટાનું કવર કાઢ્યું. લો આ રહ્યું સબૂત. જોઈ લો. પોલીસે ફોટા હાથમાં લીધા તો તેમાં મંદિરમાં ને ગુફામાં શિવલિંગ પાસે એ હિરો પડ્યો હોય એવા ફોટા હતા. બીજા બે ફોટામાં પૂજારી માધવસરને એ હીરો આપતા હોય એવું હતું. પોલિસે સાબિતી મળી જતાં માધવ સરને છુટા કર્યા અને પોતાની ભૂલ બદલ માફી માંગી. માધવ સર તો જલ્દીથી એ બધું પતાવીને પૂજારીજીને ફટાફટ બહાર લઈ જઈને કહે કે, પૂજારીજી આ હીરો આઇ મીન..કે મણિ તો મેં શિવલિંગ નીચેથી શોધ્યો હતો. તમે પણ પહેલી વાર જોયો હતો એવું તમે કહેતા હતા. તો આ ફોટામાં મંદિર પાસે મણિ ક્યાંથી? અને મેં તમને મણિ બતાવ્યો ત્યારે તો ત્યાં કોઈ જ ન હતું તો તમે મને મણિ આપતા હતા તેવા પિક્ચરસ પણ ક્યાંથી તમારી પાસે?

 

‘અરે અરે બધું એકી શ્વાસે બોલીશ કે શું? કહું છું બધું જ કહું છું. ચાલ મારી સાથે.’ એમ કહી પૂજારીજી તેને ગુફાએ લઈ ગયાં. ત્યાં જ કોઈએ જોરથી ચીસ પાડી. એટલે પૂજારીજીએ કહ્યું જો તો ત્યાં શું થયું છે? એટલે માધવસર દોડતાં ત્યાં પહોંચ્યાં તો ત્યાં સાફ સફાઈ માટે આવેલાં એક બેન મંદિરનાં સ્ટોર રૂમમાં સફાઈ માટે ગયેલ અને ત્યાં અંદર કોઈકને હાથ પગ બાંધેલાં અને મોંઢા પર પટ્ટી અને કપડું ઢાંકીને  પુરી દીધા હતાં એ જોઈને ચીસ પાડી ઉઠેલા. માધવસરે તો કશું જ વિચાર્યા વિના તેના હાથ પગ છોડ્યા અને મોંઢા પરથી કપડું હટાવ્યું તો પૂજારીજી હતાં. માધવસર તો ચોંકી ઉઠ્યાં, પૂજારીજી તમે અહીં?! તો…તો પેલા…હજુ તો કંઈક બોલવા જાય એ પહેલાં જ  પૂજારીજી એ તો તેને છાતીસરસો ચાંપી લીધો અને કહે તું સવારે નીકળ્યો ને તરત જ બે ગુંડા જેવા માણસો આવ્યા અને મને અહીં પુરી ને ચાલ્યા ગયાં. સારું થયું તું આવ્યો નહિતર તો હું અહી જ મરી જાત. પણ તું તો અમદાવાદ જવા નીકળ્યો હતો ને તો તું હજુ કેમ અહીં જ છે?

 

એક મિનિટ હું હમણાં જ આવું છું. કહીને માધવસર  પેલા પૂજારીજી જ્યાં ગુફા પાસે ઉભા હતાં ત્યાં દોડ્યાં પણ ત્યાં તો કોઈ જ ન હતું તેને આજુબાજુ બધે જોઈ લીધું પણ કોઈ દેખાયું નહિ. ત્યાં જ તેની ઉપર એક મોરપીંછ પડ્યું. મોરપીંછ હાથમાં લઈને માધવસર માધવની  માફક  મંદ મંદ હસ્યાં. (સમાપ્ત)