બિષ્ણુપુરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
મણિપુરમાં ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની રહી છે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્રે સાવચેતી રૂપે પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. તે જ સમયે, બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રવિવારે વહીવટીતંત્રે ખીણના પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે વીએસએટી અને વીએનપી સહિત ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ શનિવારે રાત્રે ૧૧:૪૫ વાગ્યાથી ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, બિષ્ણુપુર અને કાકચિંગમાં લાગુ થશે.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેઇતેઇ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ અહેવાલોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ તેના કારણે મણિપુરમાં પરિસ્થિતિ ફરી તંગ બની છે. શનિવારે, ઇમ્ફાલના કેટલાક ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેઇતેઇ સંગઠન અરંબાઈ ટેંગોલના પાંચ સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવી હતી.
ટેંગોલની મુક્તિની માંગણી કરતા, પ્રદર્શનકારીઓએ ક્વાકેઇથેલ અને ઉરીપોકમાં રસ્તાની વચ્ચે ટાયરો અને જૂના ફર્નિચરમાં આગ લગાવી દીધી. કમિશનર-કમ-સચિવ (ગૃહ) એન અશોક કુમારે જણાવ્યું હતું કે, “ખાસ કરીને ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લાઓમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, એવી આશંકા છે કે કેટલાક અસામાજિક તત્વો જાહેર લાગણીઓને ઉશ્કેરવા માટે છબીઓ, દ્વેષપૂર્ણ ભાષણ અને દ્વેષપૂર્ણ વિડિઓ સંદેશાઓ પ્રસારિત કરવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરી શકે છે, જેનાથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે.”
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આદેશ એકપક્ષીય રીતે પસાર કરવામાં આવી રહ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠરેલા કોઈપણ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.” મણિપુર જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા પછી, એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.” જાકે, ધરપકડ કરાયેલા નેતાના નામ અથવા તેમની સામેના આરોપો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પશ્ચિમ ઇમ્ફાલમાં ક્વાકેથેલ પોલીસ ચોકી પર હિંસક ટોળાએ હુમલો કર્યા પછી ફાટી નીકળેલી હિંસામાં બે પત્રકારો અને એક નાગરિક પણ ઘાયલ થયા હતા, જેના પગલે ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવી પડી હતી.
રાજ્યસભાના સાંસદ લીશેમ્બા સનાજાઓબા પણ ઘટનાસ્થળે જાવા મળ્યા હતા, જ્યાં તેઓ પરિસ્થિતિ અંગે વરિષ્ઠ સુરક્ષા કર્મચારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરતા એક કથિત વીડિયોમાં, લીશેમ્બાને એમ કહેતા સાંભળી શકાય છે કે, “અમે શાંતિ લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. જા તમે આવા કામો કરશો તો શાંતિ કેવી રીતે આવશે? મને ધારાસભ્ય સાથે ધરપકડ કરો.” રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ દ્વારા બપોરે લગભગ ૨:૩૦ વાગ્યે મેઇતેઈ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જા કે, આ અહેવાલોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.







































