દિલ્હીમાં વધતા મચ્છરજન્ય રોગોને પહોંચી વળવા નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જે સ્થળોએ કોર્પોરેશનના કર્મચારીઓ પહોંચી શકતા નથી તેવા સ્થળે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને મચ્છરોનું બ્રીડિંગ થતુ રોકી શકાશે. દિલ્હીમાં ઈસ્ટર્ન કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય રોગોને રોકવા પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.
કોર્પોરેશનના કર્મચારીઓ યમુના કિનારાના વિસ્તારોમાં ઘણી જગ્યાએ પહોંચી શકતા નથી. આવા સ્થળોએ હવે ડ્રોનની મદદથી લાર્વા વિરોધી દવાનો છંટકાવ કરવામાં આવશે. આ માટે ગુડગાંવ સ્થિત કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે. બુધવારે મેયર શ્યામ સુંદર અગ્રવાલ કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓ સાથે યમુના બેંક મેટ્રો સ્ટેશન નજીક ખાદર ખાતે આની શરૂઆત કરશે.
મહત્વનું છે કે દિલ્હીમાં છેલ્લા ચાર વર્ષમાં ડેન્ગ્યુના કેસ વધુ સામે આવી રહ્યા છે. ચોમાસુ પુરુ થયા પછી પણ કેટલાક વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ ઓછો થતો નથી. તો દિલ્હીમાં કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં કોર્પોરેશનના વ્યક્તિ પહોંચી શકતા નથી ત્યારે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવાથી મચ્છરજન્ય રોગચાળાને રોકી શકાશે.દિલ્હીમાં ચાર વર્ષમાં ડેન્ગ્યૂના કેસ ૨૦૧૮માં ૧૫૯ કેસ,૨૦૧૯માં ૧૨૩ કેસ,૨૦૨૦માં ૬૪ કેસ,૨૦૨૧માં અત્યાર સુધીમાં ૫૧૮ કેસ
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ”જે જગ્યાએ તૈયારીઓ કરવામાં આવી છે ત્યાં વસ્તી નથી. જેના કારણે દવાનો છંટકાવ કરવાથી કોઈ આડઅસર થવાની શક્યતા નથી. કોર્પોરેશનના વાહનો જ્યાં પહોંચી શકતા નથી ત્યાં પણ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે.” કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, ”મચ્છર એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી જાય છે. આ જ કારણ છે કે કોર્પોરેશનની નજર સરહદી વિસ્તારોમાં પણ ટકેલી છે.”
દિલ્હીના મ્યુનિસિપલ કમિશનર વિકાસ આનંદે મંગળવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન,પૂર્વ દિલ્હીના અધિકારીઓ સાથે ડેન્ગ્યુની તપાસ અને સારવાર અંગે બેઠક યોજી હતી. બેઠકમાં તપાસ અને સારવારની અલગ અલગ પદ્ધતિઓ અંગે ચર્ચા કરી હતી. તેમાં ડ્રોનથી દવાના છંટકાવ અંગેના પ્રયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં કોર્પોરેશનના અધિકારીઓ અને તબીબો વચ્ચે સેમિનારનું આયોજન કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું.