પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિગતોને આધારે અમરેલી જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મગફળીમાં સફેદ ધૈણના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો (ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થાય છે. સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા ઢાલિયાને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો. ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી તેનો નાશ કરવો.
મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરિયા બાસિયાના અથવા મેટારિઝિયમ એનિસોપ્લી ૧.૧૫ વેટેબલ પાઉડર (ન્યૂનતમ ૨ ૧૦૬ સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા એરંડીના ખોળ (૩૦૦ કિ.ગ્રા/હે) સાથે જમીનમાં આપવાની ભલામણ છે.
પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું. ખેતરમાં પાક અવશેષોનું મલ્ચિંગ કરવું.
મગફળી સાથે કપાસ, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકોને આંતરપાક તરીકે લેવા. જેમ કે, મગફળીની વેલડી જાતનું ૯૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરવી અથવા આડી મગફળીના ઉભા પાકમાં છેલ્લી આંતરખેડ પછી તુવેરની મધ્યમ મોડી પાકતી જાત બીડીએન-૨ મગફળીની બે હાર વચ્ચે વાવવી. મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દીવેલીનો ખોળ ૫૦૦ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. પાક વાવતી વખતે ચાસમાં કલોરપાયરિફોસ ૧૦ જી હેક્ટરે ૧૦ થી ૧૫ કિ.ગ્રા. પ્રમાણે આપવું.
જરુરિયાત ધ્યાને લઇ સફેદ ધૈણ-મૂંડાના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૪૦% + ઈમીડાકલોપ્રીડ ૪૦% ડબલ્યુજી ૧ થી ૫ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦% ડબલ્યુડીજી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ દીઠ બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સૂકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા.
આ અંગે વધુ વિગતો, જાણકારી અને માર્ગદર્શન માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી કે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.













































