ચાલુ ખરીફ ઋતુમાં મોટે ભાગે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગત્યના ખેતી પાક મગફળીમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળવાના અહેવાલ છે. જે મગફળી
પાકને નુકસાન પહોંચાડે છે. મગફળીનો છોડ સૂકાઈ જતાં મોટા ખાલા પડે છે. સંકલિત જીવાત નિયંત્રણ માટે આ મુજબ પગલા લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે. ૧) મગફળી ચાસમાં આપવાની માવજત ઃ જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે જૈવિક જંતુનાશકો જેવા કે, મેટારીઝીયમ એનીસોપ્લી અથવા બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ વે.પા (ન્યુનતમ ૨ બાય ૧૦૬ સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા અથવા ઉગવાના ૩૦ દિવસ પછી ૧ કિગ્રા ૩૦૦ કિ.ગ્રા. દિવેલી ખોળ સાથે ભેળવી છોડની હરોળમાં આપવી. આ બંને જૈવિક જંતુનાશકો જમીનમાં આપતા સમયે ભેજ હોવો આવશ્યક છે. ધૈણનો ઉપદ્રવ વધારે હોય તો બજારમાં મળતા રાસાયણિક જંતુનાશકો
ક્લોરપાયરીફોસ ૧૦જી હેક્ટરે ૧૦ થી ૧૫ કિ.ગ્રા. ચાસમાં વાવેતર પહેલા આપવું. ૨) વાવેતર પછી નિયંત્રણના પગલા: જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે
ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી.૨૫ થી ૩૦ મિ.લિ. દવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિક્ષ કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવું, ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈ.સી. હેક્ટરે ૪ લિટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારુ નિયંત્રણ મળે છે. ચોમાસામાં મગફળીમાં
પિયત ન આપવાનું હોય ત્યારે આ જીવાતના નિયંત્રણ કરવા માટે ક્લોરપાયરીફોસ ૪ લિટર દવા ૫ લિટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો જીણી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સૂકવી, આ રેતી એક હેક્ટર વિસ્તારમાં છોડના થડ પાસે પુંખવી ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત
આપવું. મીથોક્સી બેન્જીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે જે આ જીવાતના એગ્રીગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફોરોમોન તરીકે કામ કરે છે તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય છે. વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીશ્રી, કે.વી.કે, ખેતી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ અને તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર નં. ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. (સંકલનઃ માહિતીખાતુ-અમરેલી)