મગફળી ખુબ જ અગત્યનો ખાદ્ય તેલિબિયાંનો પાક છે. જેનું વાવેતર ખરીફ અને ઉનાળુ બંને ઋતુમાં થાય છે. આ પાકને વાતાવરણિય અને જૈવિક પરિબળોથી નુકસાન થતુ હોય છે. જૈવિક પરિબળો પૈકી ચૂસિયા, પાન ખાનારી ઈયળ અને સફેદ ધૈણ મુખ્ય છે આ જીવાતોથી થતુ નુકસાન અને નિયંત્રણ નીચે મુજબ છે.
૧. મોલો અને તડતડીયાઃ
મોલોઃ મગફળીના છોડ પીળાશ પડતા જણાય, ડૂંખો અને સૂયા પર કાળાશ પડતી જીવાતના થર જણાય, છોડને અડકતા ચીકાસ જણાઈ આવે, છોડ કાળા રંગના દેખાય, છોડની વૃધ્ધિ અટકી જાય અને પાક નબળો જણાય જે મોલો-મશીનો ઉપદ્રવ દર્શાવે છે. જેને ખેડૂતો “ગળો” તરીકે પણ ઓળખે છે. સૂયા બેસવાનાં સમયે ઉપદ્રવ હોય તો સૂયા ચીમળાઇ જાય છે અને પોપટા બંધાતા નથી.
તડતડીયાઃ મગફળીનાં પાકમાં પાનની ટોચ અને ધાર પીળી પડેલી જણાય, છોડ ફીક્કા અને પાન સૂકાતા જણાય અને તેની સાથે બારીકાઈથી તપાસતા પીળાશ પડતા લીલા રંગની ત્રાંસી ચાલતી જીવાત જણાઈ આવે તો તે તડતડિયાનું નુકસાન દર્શાવે છે. આ જીવાતનો ઉપદ્રવ સૂયા બેસતી વખતે હોય તો ડોડવામાં દાણા ચીમળાયેલા રહે છે. આવા દાણાનું વાવેતર કરતાં ઉગાવો ઓછો થાય છે અને તેલનું પ્રમાણ પણ ઘટે છે.
મોલો અને તડતડીયાનું નિયંત્રણઃ જો ઉપદ્રવની શરૂઆત હોય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. એક લિટરની ક્ષમતાવાળા ડબ્બાને પીળો રંગ લગાવી તેનાં પર ગ્રીસ લગાવી ખેતરની ફરતે મુકવાથી આ જીવાતનાં ઉપદ્રવની શરૂઆત જાણી શકાય. વધુ ઉપદ્રવ વખતે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી૨૦ મિ.લિ.અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ઓક્સિડેમેટોન-મિથાઈલ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજો છંટકાવ કરવો. મોલોને ખાઈ જનારા દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું.
૨. પાનક્થીરીઃ મગફળીનાં છોડનાં પાન પર સફેદ ડાઘા જોવા મળે અને દુરથી છોડ સફેદ અને ઝાંખા જણાય, છોડને નજીકથી તપાસતાં કરોળિયાનાં જાળા જેવા સૂક્ષ્મ જાળા જણાઇ આવે અને તેમાં રતાશ પડતા રંગની જીવાત જણાય તો પાન કથીરીનો ઉપદ્રવ દર્શાવે છે. ઉનાળુ મગફળીમાં તેનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે.
નિયંત્રણઃ ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે ફેનપાયરોક્ષીમેટ ૫ એસસી અથવા ફેનાઝેક્વીન ૧૦ ઇસી અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૩. પાન કોરીયુઃ ઉનાળુ મગફળીમાં આ જીવાતનો ઉપદ્રવ ઉગતાની સાથે જ જણાય આવે છે. ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારમાં ભેજવાળું હવામાન રહેતુ હોવાથી ત્યાં આ જીવાતનો ઉપદ્રવ વધુ રહે છે. નાની ઈયળો કુમળા પાનને કોરીને નુકસાન કરે છે. ઈયળો મોટી થતાં પાનમાં બનાવેલ બુગદામાંથી બહાર નીકળીને ડૂંખની ટોચની નજીકથી પાંદડીઓ એકબીજા સાથે જોડીને જાળુ બનાવી અંદરના ભાગમાં રહી પાનનો લીલો ભાગ ખાય છે. ૫રિણામે પાંદડાઓ સૂકાય જાય છે. આ જીવાત છોડની ડૂંખોના ભાગમાંના પાંદડાઓ એકબીજા સાથે જોડી દેતી હોવાથી ખેડૂતો તેને માથા બાંધનારી અથવા પાન વાળનારી ઈયળો તરીકે ૫ણ ઓળખે છે.
નિયંત્રણઃ ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બ્યુવેરિયા બાસિયાના નામની ફૂગનો પાવડર ૪૦-૫૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધુ જણાય તો ડેલ્ટામેથ્રિન ૨.૮ ઇસી ૧૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. અથવા લેમ્બડા-સાયહેલોથ્રિન ૫ ઇસી ૬ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ ૫છી બીજો છંટકાવ કરવો. (ક્રમશઃ)