“અરેરે! હવે હું ચોક્કસ રંધાઈ જઈશ. બાપ રે! હવે મને કૂકરમાં બંધ કરી દેશે ને મારું આખુંય શરીર સખત ગરમીથી બફાઈ જશે.” – થાળીમાં પડેલા મગના દાણાને ફફડાટ થયો. બીકનો માર્યો તે થાળીમાં આમતેમ ગબડવા લાગ્યો ને અહીંથી છટકવાની યુક્તિ વિચારવા લાગ્યો.
અત્યાર સુધી એ એક બરણીમાં બંધ હતો. પણ હવે એને રાંધવા માટે બહાર કાઢ્યો હતો. બફાઈ જવાની બીકે એ તો હળવેથી સરકયો ને ગબડયો. ગબડતો ગબડતો તે ઘરના એક ખૂણે પડેલા કચરામાં સંતાઈ ગયો. એને થયું, “હાશ! હવે તો હું બચી જ જઈશ. હમણાં કચરા ભેગો હું ઘરની બહાર પહોંચી જઈશ.” એમ વિચારતો એ કચરા ભેગો પડ્‌યો રહ્યો.
થોડા સમયમાં એ કંટાળી ગયો. એમાંય કચરાની વાસથી એનાથી રહેવાતું નહોતું. હજુ એ કઈંક વિચારે ત્યાં જ કીડી-મંકોડા કચરાની આજુબાજુ આંટા મારવા લાગ્યા. એ ફરી ડરી ગયો, “અરે અરે! આ કીડી-મંકોડા મને તાણી જશે તો.” એમ વિચારી તે કચરામાં પડેલી કેળાની છાલમાં પેસી ગયો. કેળાની ચીંકણી છાલમાં એ ચોંટી ગયો. માંડ માંડ છૂટ્યો. ત્યાં કોઈએ બીજો કચરો નાખ્યો. એ બરાબર દબાઈ ગયો. “બાપ રે!” – એવી ચીસ એનાથી નંખાઈ ગઈ. મગના દાણાનો ઘાટ બકરું કાઢતાં ઊંટ પેઠા જેવો થયો.
થોડા સમય પછી કચરા ભેગો એ ઘરની બહાર નીકળી ગયો. એને હાશ થઈ. વળી એ ધીમેથી ગબડયો. ગબડતાં ગબડતાં એ માટીમાં ચોંટી ગયો. માટીમાં એવો ચોંટ્યો… એવો ચોંટ્યો કે એ ત્યાંથી નીકળી શક્યો જ નહીં. ઊલટાનું એ વધારે ખૂંપતો ગયો. પણ અહીં તેને મજા પડી. ખુલ્લી ને તાજી હવા; માટીની ઠંડક ને સૂરજનો કૂણો તડકો. મગનો દાણો આનંદિત થઈ ગયો.
આમને આમ થોડા દિવસો વીત્યા. એના શરીરમાં સળવળાટ થયો. એનું શરીર ફાટતું હોય એવું એને લાગ્યું. હવે એ ખુશ ખુશ થઈ ગયો.
મગ તો ખુશ થઈ ગયો, પણ હવે મગનું શું થયું હશે? તમે જરૂર વિચારજો હોં!
Mo ૯૦૯૯૧૭૨૧૭૭