તિરુપતિ બાલાજી મંદિરની પૂજા પદ્ધતિમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મંદિરમાં પૂજા કેવી રીતે કરવી તે નક્કી કરવાનું કામ કોર્ટનું નથી. કારણ કે મંદિરમાં પૂજા દરમ્યાન નારિયેળ કેવી રીતે તોડવું? આરતી કેવી રીતે કરવી? તે અદાલત નક્કી કરી શકે નહી. બંધારણીય અદાલતો ધાર્મિક વિધીઓમાં દખલ અંદાજી કરી શકે નહી.
સીજેઆઇ એમ.વી. રમણાએ સુનાવણી દરમ્યાન કહ્યુ કે જા કોઇ ખામી હોય તો તેને સુધારવા માટે અમે કહી શકીએ, પરંતુ રોજબરોજની પૂજામાં અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં. સીજેઆઇએ ભારપૂર્વક કહ્યું કે અમે ફરી એકવાર સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પૂજાની વિધિઓમાં કોર્ટ કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે? પીઆઇએલના નામ પર આ એક પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન છે.
સુનાવણી દરમ્યાન ન્યાયાધીશ એ એસ બોપન્નાએ કહ્યુ કે રિટ પિટિશનમાં આ મામલે કોઇ નિર્ણય લઇ શકાય નહી. અરજી કરનારે કહ્યું કે પૂજા- અર્ચના કરવાનો આ મુળભૂત અધિકાર છે. તેની પર ન્યાયાધીશ હિમા કોહલીએ કહ્યું કે ખાનગી પૂજા કરવાનો અધિકાર તો છે, પરંતુ મંદિરની પૂજા પ્રણાલી કેવી હોવી જાઇએ તેનો મુળભૂત અધિકાર નથી.
સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે જા કોઇ વહીવટી ઉણપ હોય તો મંદિર પ્રશાસનને આવેદન આપવામાં આવે. કોર્ટે મંદિર પ્રસાશનને પણ ૮ સપ્તાહમાં જવાબ આપવાની સુચના આપી છે. કોર્ટે કહ્યુ કે પૂજાના મામલે અરજદાર સિવિલ કોર્ટમાં જઇ શકે છે.
આગલી સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટમાં તિરુપતિ બાલાજીમાં પૂજાને લઇને દાખલ કરવામાં આવેલી સુનાવણી એ સમયે રોચક બની ગઇ હતી, જયારે CJI એન.વી. રમણાએ અરજદાર સાથે તેલુગૂમાં વાત કરવાનું શરૂ કર્યું હતુ. એ પહેલાં CJI એ અરજદાર સિવરા દાદાને અંગ્રેજીમાં કહ્યું હતું કે તમે ભગવાન બાલાજીના ભક્ત છો અને બાલાજીના ભક્તોમાં તો ધીરજ હોય છે, પરંતુ તમારામાં ધીરજ નથી. તમે વારંવાર સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીનો સંપર્ક કરો છો અને દરેક વખતે અરજી દાખલ કરવા માટે ધમકી આપો છો. કેસ દાખલ નહીં કરો તો હું મરી જઇશ એવું તમે કહો છો. કોર્ટે કહ્યું કે તમે આવું કરી શકો નહી, આ સંસ્થાની પવિત્રતાને જાળવો.
સીજેઆઇએ કહ્યુ કે હું પોતે, મારા ભાઇ, મારી બહેન અમે બધા બાલાજી ભગવાનના ભક્ત છીએ. અમે બધા પૂજા કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે દેવસ્થાન પંરપરાઓનું ધ્યાન રાખશે અને તમામ ધાર્મિક વિધિઓ અને રિવાજાનું પાલન કરશે, પરંતુ રજિસ્ટ્રી પર દબાણ બનાવવાનું કામ ન કરવું જાઇએ. અરજદારે તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા પધ્ધતિ યોગ્ય નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. આ બેંચમાં ન્યાયાધીશ સૂંર્યકાંત અને ન્યાયાધીશ હિમા કોહલી પણ હતા જેઓ ઉત્તર ભારતીય છે.