ગાંધીનગર વન વિભાગ દ્વારા મહાનગરપાલિકા કક્ષાનાં ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત વન મહોત્સવની ઉજવણી પ્રસંગે,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ છે, ત્યારે આપણી સંસ્કૃતિમાં આપણા ઉત્સવોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને એટલે જ આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે. સાથે જ આપણી સંસ્કૃતિમાં વૃક્ષોની સંભાળ, તેનુ જતનને પણ સંસ્કૃતિ સાથે જોડવામાં આવ્યા છે, સંસ્કૃતિ પ્રમાણે દરેકના આંગણે તુલસી હોવાનું જણાવતા મંત્રીએ તેના ગુણધર્મોની પણ વાત કરી હતી.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,૧૯૫૦ માં આપણા ભારતના તત્કાલીન કૃષિ મંત્રી કનૈયાલાલ મુનશીએ આ વન મહોત્સવની શરૂઆત કરી હતી, એ પછી સરકારની નેમ રહી છે કે, કોઈપણ સરકારી ઉત્સવો ફક્ત એક કચેરી કે એક જગ્યા પૂરતા ઉત્સવ ન બનતા લોકોત્સવ બને, અને આ શુભ આશયની શરૂઆત આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આપણી સંસ્કૃતિમાં દરેક છોડ પાછળ,ઝાડ પાછળ કંઇક મહત્વ રહેલું દર્શાવાયું છે, આજે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી લીમડો, સરગવો, એલોવેરા, તુલસી વગેરેના ઉપયોગો જાણીએ છીએ. આ બધું જ આપણને રોજીંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક ખૂબ ઉપયોગી બનતું હોય છે. જે આપણને વૃક્ષોની મહત્વતા સમજાવે છે.

આપણી સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે કે, હું છોડમાં રણછોડ સ્વરૂપે છું, ત્યારે તેમના પ્રિય વૃક્ષ પીપળાની વાત કરવામાં આવે તો તેમાં સૌથી વધારે ઓક્સિજનન રહેલું હોય છે . આ સાથે જ મંત્રીએ ગાંધીનગર જિલ્લામાંથી પ્રથમ સાંસ્કૃતિક વન પુનિત વનની પણ વાત કરતા તેના રાશીવનનો ઉલ્લેખ કર્યો હતો, ઉપરાંત કોરોના કાળમાં ઓક્સિજનનની કમી થતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા તેવા કપરા કાળમાં નવા નવા ઓક્સિજનનના પ્લાન્ટ પર સ્થાપવાની જરૂરિયાત ઊભી થઈ હતી,જેનો ઉલ્લેખ કરતા આવી પરિસ્થિતિમાં, વૃક્ષો જ આપણો બચાવ કરી શકે તે સૌએ સ્વીકાર્યું હોવાની વાત સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ સાથે જ તેમણે ગર્વ ભેર જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન થકી ગત વર્ષે સમગ્ર રાજ્યની આંગણવાડીમાં ત્રણ લાખ બત્રીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર એક જ દિવસમાં એક જ સમયે કર્યું હતું. આ સાથે જ, તેમણે વૃક્ષારોપણ કાર્યક્રમને જવાબદારીના ભાગરૂપે સૌ સાથે મળીને કરે તો સૌથી શ્રેષ્ઠ કામગીરી થઈ શકે એવા વિશ્વાસ સાથે નગરજનોને ‘એક પેડ મા કે નામ ૨.ર્’ માં જોડાવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર ગુજરાતના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા, પ્રાસંગિક ઉદબોધન કરતા, ગ્લોબલ વો‹મગની વૈશ્વીક સમસ્યાને કારણે, વિશ્વમાં થતા હવામાનના ફેરફાર અને બદલાયેલા ઋતુચક્ર અંગે વાત કરી, આ અનુસંધાને વૃક્ષોની મહત્તા અને તેમના કાર્યની સમજ ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી.

આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર ના મેયર મીરાબેન પટેલ દ્વારા પણ ગાંધીનગર શહેરી વિસ્તારમાં થયેલા વનીકરણની માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, વૃક્ષની મહત્તા આપણા ધર્મગ્રંથોમાં પણ દર્શાવવામાં આવી છે, તેની અગત્યતા અને માન્યતા આધુનિક યુગમાં જોવા મળે છે.ભારતીય સંસ્કૃતિ વૃક્ષમાં પણ પરમાત્માનું દર્શન કરાવે છે, તુલસીને માત્ર છોડ કે વનસ્પતિ નહીં પરંતુ લક્ષ્મીજીના સ્વરૂપ તરીકે દર્શાવ્યા છે, વૃક્ષનું જીવન ઋષિ તુલ્ય જીવન જણાવતા ધર્મમાં વૃક્ષના ચાર ગુણ દર્શાવ્યા છે,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦૪ થી શરૂ થઈ આ પરંપરા અંતર્ગત ૨૦૨૫ સુધી કુલ ૨૪ સાંસ્કૃતિક વનની સ્થાપના કરવામાં આવી છે.અને આજનો આ વન મહોત્સવ આપણા સૌના જીવનમાં હરિયાળી સાથે ભાવિ પેઢી માટે સુંદર વાતાવરણ ઊભું કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

મહાનગર પાલિકા ગાંધીનગર ખાતે યોજાયેલા વન મહોત્સવ અંતર્ગત, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલ વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટર, નાયબ નિયામક અરણ્ય ભવન ડો.ચંદ્રેશકુમાર, ગાંધીનગર જિલ્લા વન અધિકારી રવિરાજસિંહ રાઠોડ સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.