ભુપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ જીતુભાઈ વાઘાણી પ્રથમ વખત ભાવનગર પોતાના વતન પરત ફરતા જ નારી ચોકડી સર્કલથી બાઇક રેલી દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.નારી ચોકડીથી લઈને શહેર કાર્યાલય સુધી ઠેર ઠેર તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું.ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘મને સરકારે જે જવાબદારી સોંપી છે, તેમા કૃષિ ખેડૂત કલ્યાણ, પશુપાલન ઉદ્યોગ અને ગૌ સંવર્ધનની તેની અમલવારી ચુસ્તપણે કરવામાં આવશે. ખેડૂતોનું જીવન નવોદય થાય અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તેવા અમારા પ્રયાસો રહેશે. આથી હું ખેતી ક્ષેત્રે ખેડૂતોનું કલ્યાણ થાય તે દિશા તરફ આગળ વધીશ’.ભાવનગરમાં યોજાયેલી સ્વાગત અને બાઈક રેલીમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,ખાસ કરીને ઝેરી શાકભાજી અને અનાજ જે ઝેરી વસ્તુ પેટમાં જતી હોય છે, તેને લઈને પ્રયાસ કરવામાં આવશે કે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વધારે વળે.આ સાથે જે લોકો નકલી બિયારણ કે દવાઓ બનાવે છે તે લોકોને છોડવામાં આવશે નહીં અને કાયદેસર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.વાઘાણીએ વધું જણાવ્યું હતું કે, દરેક લોકોનું જીવન તંદુરસ્ત બને પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ માછીમારોનું વધારે કલ્યાણ થાય એવો પ્રયાસ રહેશે. હું ક્યારેય પાછો પડ્યો નથી અને ક્યારેય પાછો પડીશ નહીં સેવાના કામ માટે.