મંત્રીપદની લાલચમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાને અત્યાર સુધી લોલીપોપ જ મળ્યું છે. ભાજપ નવા મંત્રીમંડળનો ફોડ પાડતું નથી. આવામાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેને ધુરા સંભાળી રહેલા અને એક સમયના જૂના સાથી અમિત ચાવડા અર્જુન મોઢવાડિયાને સંભળાવી ગયા. અમિત ચાવડાએ મોઢવાડિયા પર નિશાન તાકતા કહ્યું કે, પક્ષે બનાવ્યા, હવે હાલત ખરાબ. અમિત ચાવડાએ નામ લીધા વગર અર્જુન મોઢવાડિયા પર આકરા શબ્દોનો પ્રહાર કર્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસે કેટલાક નેતાઓને મોટા પદો આપ્યા હતા. કોંગ્રેસ દ્વારા જ તેમણે પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ તેમણે પક્ષ છોડી ભાજપનો દામન પકડી લીધો હતો. આજે તેમની હાલત ગુજરાતની જનતા સામે સ્પષ્ટ છે.આ સાથે જ અમિત ચાવડાએ ભાજપ પર પણ નિશાન તાક્્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. તેમની અંદર ગેંગવોર જેવી સ્થિતિ ચાલી રહી છે. ભાજપમાં જૂથબંધી અને આંતરિક લડાઈઓથી પાર્ટીનું સંગઠન નબળું પડી રહ્યું છે. આ ટિપ્પણી ભાજપના અંદરની રાજકીય ગતિવિધિઓ અને નેતાઓ વચ્ચેના સંઘર્ષોનો ઉલ્લેખ કરે છે, જેમાં મોઢવાડિયા જેવા નવા જાડાયેલા નેતાઓની ભૂમિકા પણ ચર્ચામાં છે.આમ, ભાજપમાં આંતરિક ડખા ચર્ચાઈ રહ્યાં છે. ભાજપમાં મંત્રીમંડળમાં ફેરબદલ એ લટકતું ગાજર બન્યું છે. તેમાં અર્જુન મોઢવાડિયાના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. તેથી જ અમિત ચાવડાએ તેમના પર નિશાન તાક્યું હતું. અમિત ચાવડાના ભાજપમાં ગેંગવોરના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. બીજેપીના ટોચના નેતૃત્વ ઉપર એવા આરોપ લગાવવામાં આવી રહ્યાં હતા કે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકા લોટ ખાય, એટલે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મસમોટા પદ્દો તો વર્ષોથી ભાજપમાં રહીને મહેનત કરતાં નેતાઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યાં છે.









































