ભોળો ભીમ જયારે ઇ.સ. ૧૧૭૯માં ગુજરાતની ગાદીએ બેઠો હતો ત્યારની વાત છે તે રાજા હતો. અને દિલ્હીમાં અનંગપાળ તુવર, અજમેરમાં સોમેશ્વર ચૌહાણ, કનોઝમાં વિજયપાળ રાઠોડ, આબુમાં જેતસિંહ પરમાર રાજ કરતાં હતાં. જેતસિંહને ઇરદન નામની બહુ રૂપાળી સુંદર અને નમણી પુત્રી હતી. તેના લગ્ન સોમેશ્વર ચૌહાણના દીકરા પૃથ્વીરાજ સાથે કર્યા હતાં. છતાં પણ રાજકુંવરીના રૂપે મોહીત થઇ ભોળા ભીમે તેનું માંગુ નાખ્યું. આંબુના રાજાએ કુવરીનો વિવાહ કરેલો હોવાથી ચોખ્ખી ના પાડી. જેતસિંહથી ના કેમ પડાય ? બસ પછી તો ભોળા ભીમે મોટા લશ્કર સાથે આબુ ઉપર આક્રમણ કર્યું. જેતસિંહે અગમચેતી વાપરી કુંવરીને દાસી સાથે અજમેર મોકલી આપ્યાં. અને ખરેખર જેતસિંહની હાર થઇ. ભીમ જીત્યો પણ કુંવરી ના મળી. ત્યાં શાહબુદ્દીન ઘોરી મુસલમાનોને લઇ અજમેર પર ચડી આવ્યો. આથી ચૌહાણોએ એક જુથ થઇ પહેલા મુસલમાનોને ભગાડ્યાં અને તેના સામંત ચંદ બારોટે ગુજરાતી ફોજ સાથે એકાએક છાપો મારી ભગાડી મુક્યાં. આથી ભીમ ખુબ જ ગુસ્સે થયો અને મોકો મળતાં ફરી અજમેર પણ ચડાઇ કરી. તે સમયે સોમેશ્વર ચૌહાણ જાતે લશ્કર લઇને ભીમ સાથે લડવા આવ્યા અને એ યુધ્ધમાં મરાયાં. સામે પક્ષે ભીમની જીત થઇ. પૃથ્વીરાજના ક્રોધનો પાર ન રહ્યો. બાપનું વેર વાળવાનો નિર્ણય કરી ગુજરાત સામે પડ્યો. પાટણ થોડે દૂર રહ્યું એટલે પૃથ્વીરાજે ચંદ બારોટને દીવો, નીસરણી, જાળ, કોદાળી, અંકુશ અને ત્રિશુલ આપી ભીમ પાસે મોકલ્યા. ચંદ બારોટે ભીમના દરબારમાં આવીને કહ્યુ કે પૃથ્વીરાજ બાપનું વેર લેવા આવ્યો છે. માટે તૈયાર થઇ રણમેદાનમાં આવી જા. તેણે કહ્યું એ બધુ તો ઠીક પણ આ બધી વિચિત્ર વસ્તુઓ શા માટે લાવ્યો છે ? ચંદે કહ્યું તમે અંધારામાં સંતાઇ જાવ તો આ દીવાથી તમને શોધી કાઢવા, જમીનમાં જાવ તો કોદાળીથી ખોદીને બહાર કાઢી શકાય, અંકુશ વડે તમને વશ કરી શકાય અને ત્રિશુલથી તમને મારી નખાય માટે તમે દાતે તરણું લઇને પૃથ્વીરાજને શરણે આવો અથવા મરણ માંગી લ્યો. ભીમે આ શબ્દો સાંભળ્યા અને હસતા હસતા બોલ્યો ‘ જા તુ તારા રાજાને કહેજે કે તેનાથી અમે ડરતા નથી અને બન્ને વચ્ચે ભયંકર યુધ્ધ થયું. તેમાં ભીમ હાર્યો અને માર્યો ગયો… (આપણા દેશની ઐતિહાસિક વાતોમાંથી ટુંકાવીને)