• નોનસ્ટિક વાસણો વાપરવામાં શું લાભ કે ગેરલાભ છે?
નોનસ્ટિક એટલે પદાર્થ તળીયે ચોટે નહીં અને બળે નહીં એવી સગવડતા વાળા વાસણો. પદાર્થ ચોટે નહીં તે માટે વાસણોને PFOA (Perflurooctanotic) નામના રસાયણનો લેપ કરવામાં આવે છે આ રસાયણ કેન્સર ઉત્પન્ન કરનાર છે. થાઈરોઈડ, કોલેસ્ટ્રોલ વગેરેનું સંતુલન બગાડે છે, લીવર ઉપર સોજો આવે છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. આવા વાસણોમાં પદાર્થો રાંધવાથી આ રસાયણ તેમાં ભળે છે અને આપણે તે પદાર્થ ખાઈએ એટલે આપણા પેટમાં જાય છે. આરોગ્યને આટલું બધું નુકસાન થતું હોવાને કારણે નોનસ્ટિક વાસણો ન વાપરવા જોઈએ.
• ભાત ઓસાવીને કરવા જોઈએ કે ઓસાવ્યા વિના?
ભાત બનાવવા માટેની આ બંને પદ્ધતિ સરખી જ રીતે પ્રચલિત છે. ઘરોમાં અને મોટા મોટા સમારંભમાં ભાત ઓસાવીને કરવામાં આવે છે. પરંતુ આધુનિક સુશિક્ષિત લોકોનો મત
ઓસાવ્યા વિના ભાત રાંધવાનો બનતો જાય છે. વળી કુકરમાં રાંધવાથી ઓસાવવાનો પ્રશ્ન જ આવતો નથી. જે લોકો ઓસાવ્યા વિના ભાત બનાવે છે તેઓની માન્યતા એવી છે કે ઓસાવવાથી પોષક તત્વો નીકળી જાય છે. જે લોકો ઓસાવીને ભાત બનાવે છે તેઓમાં પણ કેટલાક એવું માનતા હોય છે કે પોષક તત્વો તો ઓસામણની સાથે નીકળી જાય છે પરંતુ સગવડ પડે છે તેથી તેઓ ભાત ઓસાવે છે.
સાચી વાત એ છે કે ભાતને ઓસાવવો જ જોઈએ. ઓસાવેલો ભાત પચવામાં હલકો, રુચિકારક અને તૃપ્તિદાયક બને છે. જ્યારે ઓસાવ્યા વગરનો ભાત પચવામાં ભારે અને કફ કારક બને છે. ભાતનું ઓસામણ પણ પચવામાં હલકું હોય છે. તેથી ખરી રીત ભાતને ઓસાવીને રાંધવાની છે.
• ચોખા ચૂલે મૂકવાના કેટલા સમય પહેલા પલાળવા જોઈએ.
દાળ, ચોખા વગેરે ચૂલે મૂકવાના એક કે બે કલાક પહેલા પલાળવાનો રિવાજ છે. સારી ગૃહિણીઓ એવું કરે છે. એમ કરવાથી બળતણની બચત થાય છે. જેનું રસોઈ કરવામાં ધ્યાન નથી એવી ગૃહિણીઓ પહેલા પલાળી રાખવાનું ભૂલી જાય છે. જેઓ નોકરી વગેરેમાં વ્યસ્ત હોય છે તેમને પહેલા પલાળી રાખવાની સગવડ હોતી નથી. પ્રેશરકુકરમાં રાંધનારને પણ પહેલા પલાળી રાખવાનું જરૂરી લાગતું નથી. તેમ છતાં પહેલા પલાળી રાખવું સારું એમ તો બધા માનતા જ હોય છે પરંતુ આયુર્વેદશાસ્ત્રના મત અનુસાર દાળ ચોખા પહેલા પલાળવા ન જોઈએ. પહેલા પલાળવાથી એ પચવામાં ભારે થઈ જાય છે વળી ખોરાકને રાંધવામાં પ્રત્યક્ષ અગ્નિનો જેટલો વધુ પ્રયોગ થાય એટલું અન્ન વધારે સૂપાચ્ય બને.
• શાકને પહેલા બાફીને પછી વઘારવું જોઈએ કે વઘાર્યા પછી બાફવું જોઈએ ?
વઘાર્યા પછી બાફવાની અને બાફીને વઘારવાની એમ બંને રીતો પ્રચલિત છે. કેટલાક લોકો શાકને કાચું વઘારે છે, તે સમયે હળદર અને મીઠું નાખે છે. ચઢતી વખતે જ હળદર અને મીઠું નાખવાથી તે શાકમાં અંદર સુધી ઉતરીને ભળી જાય છે. અર્ધા ઉપર ચડી ગયા પછી બાકીનો મસાલો નાખે છે અને શાકને પૂરું ચઢાવે છે. આ રીતે શાક બનાવવામાં તેલ થોડું વધારે વપરાય છે પરંતુ શાક વધુ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ આયુર્વેદશાસ્ત્ર અનુસાર સાચી રીત શાકને બાફ્યા પછી વઘારવાની છે. શાકને બાફવાથી તેમાંના પોષક તત્વો વધુ માત્રામાં જળવાય છે તેમાં તેલ પણ ઓછું વપરાય છે.
• રોટલી કે ભાખરી કરતા પહેલા લોટ કેટલા સમય પહેલા બાંધી રાખવો જોઈએ.
ઓછામાં ઓછા એક કલાક પહેલા તો બાંધવો જ જોઈએ તેમ કરવાથી તે સારી રીતે કેળવાય છે. સારી રીતે કેળવેલા લોટની રોટલી કે ભાખરી સારી બને છે, તેનું પોષણ મૂલ્ય વધી જાય છે, રોટલી ઠંડી થયા પછી પણ નરમ અને કૂણી રહે છે. તરત બાંધેલા લોટની રોટલી કે ભાખરી આંતરિક રીતે સરખી બંધાતી નથી, ઠંડી થયા પછી તૂટક છૂટક લાગે છે પરંતુ લોટને બાંધીને ચાર પાંચ કલાક રહેવા દેવો. સવાર સાંજ બંને સમયનો એકસાથે બાંધીને પણ પછી ફ્રિજમાં મૂકી દેવો. રાત્રે બાંધેલો લોટ બીજે દિવસે વાપરવો એ સાચી પદ્ધતિ નથી એમ કરવાથી લોટને કાં તો આથો આવે છે, નહીં તો ઠીંગરાઈ જાય છે. બાંધેલો લોટ વધુ પડતા સમય સુધી રાખી મૂકવો હિતાવહ નથી.
• શાકને ખુલ્લું રાખીને ચઢાવવું કે ઢાંકીને?
શાકને ઢાંકીને ચઢાવવું જોઈએ. ખુલ્લુ રાખીને ચઢાવવાથી જે વરાળ નીકળે છે તેની સાથે તેના પોષક તત્વો પણ ઉડી જાય છે અને શાક નિઃસત્વ બને છે. તેથી તેને વઘાર્યા પછી ઓછામાં ઓછું હલાવવું અને ખુલ્લું રાખવું પડે તેમ કરવું. કેટલાક શાક કોરા જ કરવાના હોય, દાખલા તરીકે ભીંડો. એ ઢાંક્યા વગર કરી શકાય બાકી સર્વ સામાન્ય શાક રીત શાક ઢાંકીને ચઢાવાય. (ક્રમશઃ)