પછીના ચાર પદાર્થની ગુણવત્તાની દ્રષ્ટિએ અને પરિણામે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. છાણ, લાકડા, કોલસા અને સૂર્યકુકરમાં રાંધેલા અન્નની સુપાચ્યતા અને સ્વાદ બંને ઉત્તમ હોય છે એવો સ્વાદ બીજી કોઈપણ રીતે આવતો નથી. આશ્ચર્યની અને દુઃખની બાબત એ ગણાય કે જે સૌથી વધુ હાનિકારક છે એનું આકર્ષણ આપણને સૌથી વધુ હોય છે એમાં જ આપણને સગવડ લાગે છે. દાખલા તરીકે માઇક્રોવેવ. માઈક્રોવેવના કિરણો સ્વાસ્થ્ય માટે અતિશય હાનિકારક છે. કેન્સર જેવા રોગોને નિમંત્રણ આપે છે છતાં ડોક્ટરોના ઘરમાં પણ એનો ઉપયોગ થતો જોવા મળે છે. આપણે આપણી જીવનશૈલી એવી બનાવી દીધી છે કે જે સૌથી વધુ ગુણકારી છે એ આપણે માટે સહેલાઈથી મળે એમ પણ નથી અને મળતું હોય તો એ વાપરવામાં આપણને ઘણી બધી અગવડ અને માથાકૂટ લાગે છે દાખલા તરીકે છાણા આપણા માટે સુલભ નથી. લાકડા કે કોલસા આપણને અગવડભર્યા લાગે છે અને સૂર્યકુકરની ઝંઝટ આપણને ગમતી નથી આ તો આપણે જાતે જ ઊભી કરેલી મુશ્કેલીઓ છે. એમાં આપણું અજ્ઞાન અને અણસમજ કારણભૂત છે. સારું હોય એ ગમતું પણ હોય એ ટેવનો અને સંસ્કારનો વિષય છે.
• ભોજન સાત્વિક હોવું જોઈએ એટલે શું?
સત્વગુણ યુક્ત હોય. સત્વ ગુણ વધારે હોય એવા ભોજનને સાત્વિક ભોજન કહેવાય. સાત્વિક લોકોને પ્રિય હોય એવા ભોજનને સાત્વિક ભોજન કહેવાય, જે ભોજન કરવાથી મન પ્રસન્ન બને, શાંત બને, વિકારો ઓછા થાય, સારી બાબતો કરવાની ઈચ્છા થાય, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઓછા થાય, સત્સંગ કરવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, સજ્જન બનવાની ઈચ્છા થાય એવા ભોજનને સાત્વિક ભોજન કહેવાય જેનાથી શારીરિક માનસિક સ્વાસ્થ્ય સારું રહે, હૃદયને બળ મળે અને આયુષ્ય વધે એવા ભોજનને સાત્વિક ભોજન કહેવાય.
સારા માણસોએ સારી ભાવનાથી બનાવેલું ભોજન સાત્વિક હોય, શુદ્ધ અને પ્રામાણિક કમાણીમાંથી પ્રાપ્ત કરેલી સામગ્રીમાંથી બનાવેલું ભોજન સાત્વિક કહેવાય. સ્થાન, વસ્ત્ર, શારીરિક, માનસિક, સ્થિતિ વગેરેની પવિત્રતા જાળવીને બનાવેલું ભોજન સાત્વિક હોય. ભૂખ્યાને આપ્યા પછી ભગવાનને ધરાવ્યા પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરાતું ભોજન સાત્વિક હોય છે. અન્નને દેવતા માનવાનો ભાવ ભોજનને સાત્વિક બનાવે છે.
• સાત્વિક અને પૌષ્ટિક ભોજનમાં શું ફેર?
સાત્વિક ભોજન વિશે આગળ વિવરણ આવી ગયું. પૌષ્ટિક એટલે શરીરને પોષણ આપે એવું એટલે કે શરીરને ખડતલ અને હૃદય પુષ્ટ બનાવે, તાકાત વધારે એવા ભોજનને પૌષ્ટિક ભોજન કહેવાય. પૌષ્ટિક ભોજન સાત્વિક ન હોય એમ પણ બની શકે, દાખલા તરીકે કાંદા, લસણ, રીંગણ, તેલ, મરચું, વગેરે પૌષ્ટિક તો છે પરંતુ સાત્વિક નથી જ્યારે ઘી, દૂધ, શીરો, લાડુ વગેરે સાત્વિક પણ છે અને પૌષ્ટિક પણ છે. બજારનું ભોજન પૌષ્ટિક હોઈ શકે છે. જ્યારે ઘરનું ભોજન પૌષ્ટિક અને સાત્વિક બંને હોય છે. અપવિત્ર વાતાવરણમાં બનાવેલું અને આરોગેલું ભોજન પૌષ્ટિક તો હોઈ શકે, તેનાથી શરીર મજબૂત બને પણ સંસ્કાર સારા ન થાય, મનોવૃત્તિ સારી ન બને.
• એલ્યુમિનિયમના વાસણોમાં રસોઈ કેમ ન કરાય?
એલ્યુમિનિયમ શરીર ઉપર ઝેર જેવી અસર કરે છે, વળી તે પદાર્થો સાથે બહુ સહેલાઈથી ભળે છે. એલ્યુમિનિયમની ડોલમાં રાત્રે પાણી ભરી રાખીએ તો સવારે છારી બાઝેલી દેખાય છે એનો અર્થ એ કે પાણીમાં રહેલા ક્ષાર અને એલ્યુમિનિયમની આંતરક્રિયા માત્ર પડી રહેવાથી પણ થાય છે. ભોજન બનાવતી વખતે ગરમી, ખાટા- ખારા મસાલા, તેલ, પદાર્થમાં રહેલા ક્ષાર વગેરેની સાથે એલ્યુમિનિયમના પાત્રની આંતરક્રિયા વધારે તીવ્રતાથી થાય છે. એલ્યુમિનિયમ પદાર્થો સાથે ભળીને શરીરમાં જાય તો અનેક પ્રકારના ગંભીર રોગોનું કારણ બને છે. તેથી રસોડામાં ખરેખર તો એલ્યુમિનિયમના પ્રવેશ ઉપર જ પ્રતિબંધ હોવો જોઈએ.
• જમવા માટે કયા વાસણો સારા ગણાય?
જમવા માટે શ્રેષ્ઠતાનો ક્રમ આ પ્રમાણે છે સોનું, ચાંદી, પાંદડા, કાંસુ, કલાઈ, કરેલું પિત્તળ, માટી, કાચ, કાગળ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક, આ પૈકી અંતિમ બે નિષેદ્ધ ગણાય એટલા નુકસાનકારક છે. માટી અને કાચ તટસ્થ ગણાય, કલાઈ કરેલા પિત્તળના અને કાંસાના મધ્યમ ગણાય અને પાંદડા, ચાંદી અને સોનું ઉત્તમ ગણાય.
• રસોઈને ગરમ રાખવા માટે થર્મોવેરનો ઉપયોગ કરાય કે ન કરાય?
થર્મોવેરનો ઉપયોગ ન કરાય. પહેલું કારણ તો સ્વાસ્થ્યનું છે. અંદર જે ધાતુનો ઢોળ ચઢાવેલો હોય છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વળી કૃત્રિમ રીતે ગરમ રાખેલી વસ્તુ સમય જતા તાજી તો ન જ ગણાય. રસોઈ ગરમ હોય એ કરતા તાજી હોય એ વધુ જરૂર છે, ગરમ રહે પણ તાજી ન રહે તો એનાથી થતું નુકસાન તો થાય જ છે. હા, ગરમ હોવાને કારણે સ્વાદિષ્ટ લાગે એથી આપણા મનમાં ભ્રમ નિર્માણ થઈ શકે.
• ભોજન બનાવ્યા પછી જમતા પહેલા એની આહુતિ શા માટે આપવામાં આવે છે.
ભોજન માત્ર પેટ ભરવાની ક્રિયા નથી તે યજ્ઞ છે. યજ્ઞનો સ્થૂળ અર્થ છે અગ્નિમાં પદાર્થની આહુતિ આપવી. આપણે ભોજન કરીએ છીએ ત્યારે જઠરાગ્નિને આહુતિ આપીએ છીએ તે પૂર્વે જે અગ્નિને કારણે ભોજન બને છે તે અગ્નિને પણ અન્નની આહુતિ આપવી એ એના પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરવા બરાબર છે. જઠરાગ્નિ આપણા શરીરને કાર્યરત રાખે છે જ્યારે બહારનો અગ્નિ વિશ્વને કાર્યરત રાખે છે. અન્નની આહુતિ એ વિશ્વને ટકાવવા માટે આપણે આપેલો નાનકડો ફાળો છે.
• ભોજન શરૂ કરતા પહેલા પ્રાર્થના શા માટે કરવી જોઈએ.
ભોજન શરૂ કરતા પહેલા પ્રાર્થના કરવાથી મન શાંત અને સ્થિર બને છે. ભોજન બનાવનારનું અને ભોજન આપનારનું સ્મરણ રહે છે. આપણે એક સત્કાર્ય કરી રહ્યા છીએ એનું ભાન રહે છે. ભોજનથી પ્રાપ્ત પુષ્ટિ અને સદુપયોગ કરવાની જવાબદારીનો બોધ થાય છે. તેથી પ્રાર્થના કરવી જોઈએ.
• ઉભા ઉભા જમવામાં સગવડ પડે છે તો ઉભા ઉભા જમાય કે કેમ?
ઉભા ઉભા ન જમાય એનાથી મન સ્થિર રહેતું નથી, પાચન મંદ પડે છે, થાળી વગેરે પકડવામાં અગવડ જ પડે છે. ભોજનની પવિત્રતા કે શુદ્ધિ જળવાતી નથી. એ શિસ્ત અને સંસ્કાર યુક્ત આચરણ નથી.
• પગરખા પહેરીને જમવામાં શું ખોટું છે ?
પગરખા પહેરીને નીચે બેસવું મુશ્કેલ હોય છે. પગરખા પહેરીને કાં તો ખુરશીમાં બેસીને અથવા ઉભા ઉભા જ જમવું પડે છે જે યોગ્ય રીત નથી.
પરંપરાથી પગરખા અપવિત્ર ગણાયા છે. કારણ કે રસ્તાની ગંદકી એમાં ચોટેલી હોય છે. જમતી વખતે હાથપગ ધોવાની રીત છે. પગરખા પહેરવાથી પગ ધોવાનું અશક્ય બને છે તેથી પવિત્રતા જળવાતી નથી.
પગરખા પહેરવાની કોઈ જરૂર પણ નથી. રસ્તાની અશુદ્ધિથી પગનું રક્ષણ કરવા માટે પગરખા પહેરવાના હોય છે.
ભોજન કરવાનું સ્થાન શુદ્ધ અને પવિત્ર જ હોય છે ત્યાં પગનું રક્ષણ કરવાની જરૂર હોતી નથી. ઉલટાનું પગરખાથી જ એ સ્થાનની પવિત્રતાનું રક્ષણ કરવાની જરૂર હોય છે. તેથી જમતી વખતે પગરખા ન પહેરવા જોઈએ.
• કેટલાક લોકો નાહ્યા વગર રસોઈ બનાવતા નથી. કેટલાક લોકો રસોઈ બનાવ્યા પછી નહાય છે. બેમાંથી યોગ્ય ક્યુ?
સ્નાન કરવાથી તન અને મન શુદ્ધ અને પવિત્ર થાય છે. સ્નાન કર્યા પછી આપણે કપડાં પણ ધોયેલા અને ચોખ્ખા પહેરીએ છીએ. સ્નાન કર્યા પછી આપણે પ્રભુ સ્મરણ પણ કરીએ છીએ. આ બધાનો પ્રભાવ રસોઈ ઉપર પડે છે. રસોઈ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ પણ ભાવના યુક્ત બને છે.
જે લોકો રસોઈ કર્યા પછી નહાય છે તેઓ રસોઈ કરવાને એક સામાન્ય થકવી દેતું, પરસેવો પેદા કરતું, કપડાં બગાડતું એક પતાવવા જેવું કામ ગણે છે. એમાં પવિત્રતા હોતી નથી. તેથી તેઓ કામ પહેલા પતાવે છે પછી ચોખ્ખા અને તાજા થવા માટે નહાય છે. સ્વાભાવિક છે કે નહાયા પછી રસોઈ કરવી વધારે યોગ્ય છે.
• હોટલમાં જમવું કેટલું યોગ્ય ગણાય ?
અત્યારના સમયમાં લોકોને હોટલમાં જમવું વધારે પસંદ હોય છે.
જે હોટલ સ્વચ્છતા જાળવતી હોય, પૌષ્ટિક ખોરાક તૈયાર કરતી હોય, વાસી ખોરાક સમયસર નાખી દેતી હોય અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખોરાક તૈયાર કરતી હોય તો તેવી હોટલમાં જમવું જોઈએ.
પરંતુ જે હોટલ તમારા સ્વાસ્થ્ય ને બગાડનારી હોય, હોટલના રસોડામાં રસોઈ બનાવનાર માણસો અને પીરસનાર માણસો સ્વચ્છતા ન જાળવતા હોય, ભોજનમાં વપરાતી સામગ્રી શુદ્ધ અને ગુણવત્તા યુક્ત ન હોય અને ભાવપૂર્વક જમાડવાની કોઈ વ્યવસ્થા હોય નહીં અને હોટલમાં જમવું મોંઘુ હોય તો તેવી હોટલમાં જમવું જોઈએ નહીં.
• રસોઈ સ્ત્રીઓએ જ બનાવવી જોઈએ કે પુરુષો પણ બનાવી શકે?
સ્ત્રીઓ પુરુષો બધા રસોઈ બનાવી શકે. પરંપરાથી રસોઈ એ સ્ત્રીઓનું કામ ગણાય છે પરંતુ સ્ત્રીઓ કરતા પુરુષો પણ સારી રસોઈ બનાવતા હોય છે જેથી કરીને સ્ત્રીઓ જ રસોઈ બનાવે તે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. શ્રેષ્ઠ કામ રસોઈ કરવું તે ગણીશું તો સ્ત્રીઓ અને પુરુષો બંને રસોઈ બનાવી શકે છે.
• અનાજ વાવતા પહેલા ખેતરમાં યજ્ઞ કરવાથી શું થાય?
અનાજ વાવતા પહેલા ખેતરમાં યજ્ઞ કરવાથી માટીનું અને વાતાવરણ શુદ્ધિકરણ થાય, ખેતી કરનારની ભાવના સંસ્કારી થાય અને ખેતી કરવાના કાર્યને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય.
• ફ્રીજમાં રાખેલા પાણીમાં અને માટલાના પાણીમાં શું ફેર હોય છે.
ફ્રિજમાં રાખેલું પાણી ઠંડુગાર કાલ્ડ હોય છે જ્યારે માટલાનું પાણી શીતળ કુલ હોય છે.
ફ્રીજનું પાણી જંતુમુક્ત હોતું નથી. માટલાનું પાણી આપોઆપ જંતુમુક્ત બને છે.
ફ્રીજના પાણીથી કબજિયાત, અગ્નિમાંદ્ય, શરદી વગેરે થાય છે. માટલાના પાણીથી કોઠો ટાઢો થાય છે.
ફ્રીજના પાણીનો સ્વાદ બદલાઈ જાય છે તેનો અર્થ એ કે એમાં કોઈક વિપરીત પ્રક્રિયા થઈ છે. માટલાનું પાણી રુચિકર હોય છે. ફ્રીજના ઠંડાગાર પાણીથી તરસ છીપતી નથી અને માટલાનું પાણી તરસ છીપાવે છે.
• મિનરલ વોટર પીવાની કેટલાક લોકો ના પાડે છે તેનું કારણ શું?
મિનરલ વોટરમાં પાણીમાં પ્રાકૃતિક રીતે રહેલા ક્ષાર અને ખનીજોને બદલે કૃત્રિમ ખનિજો ભેળવવામાં આવે છે. પાણીના શુધ્ધિકરણની આ પ્રક્રિયા સ્વાસ્થ્ય માટે સારી નથી.
મિનરલ વોટર પ્લાસ્ટિકનાં પાત્રોમાં જ રાખેલું હોય છે એ એનો મોટો અવગુણ છે. પ્લાસ્ટિકના નિરંતર સ્પર્શથી પાણી ઊલટાનું દૂષિત થાય છે જે અનેક રોગોનું કારણ બને છે.
મિનરલ વોટરનો સ્વાદ સ્વાભાવિક હોતો નથી.
મિનરલ વોટરમાં પણ અનૂચિત ભેળસેળની સંભાવના રહે છે.
પૈસા ખર્ચીને તૈયાર કરવા જેટલું, વેચવા જેટલું અને ખરીદીને પીવા જેટલું એનું મૂલ્ય નથી.
પરંતુ જે લોકો કાયમ મિનરલ વોટર જ પીતા હોય તે કુદરતી નદી, ઝરણા કે બોરનું પાણી પીવે તો તેમને એ પાણી પચવામાં ભારે પડે છે અને ડાયેરીયા પણ થઈ શકે છે.
માટે તમારા સ્વાસ્થ્યને અનુકૂળ હોય તે પાણી પીવું જોઈએ.

hemangidmehta@gmail.com