બજારમાંથી તૈયાર લાવેલા અને ઘઉં દળાવીને લાવેલા લોટમાં શું ફેર હોય છે?
ખરેખર તો કોઈ ફેર હોવો જોઈએ નહીં પરંતુ જોખમો આ પ્રકારના છે એમાં
બજારમાંથી તૈયાર લાવેલો લોટ કયા પ્રકારના ઘઉંનો હશે તેની ખાતરી ન આપી શકાય.
એ ઘઉં આપણને માફક આવે એવા હોય કે નહીં તેની ખાતરી ન આપી શકાય.
લોટ કેટલો વાસી છે કે તાજો તેની ખબર ન પડે.
એમાં ભેળસેળ થયેલી છે કે કેમ એની પણ ખબર ન પડે.
મોંઘું પડે તે તો ખરું જ.
આવા બધા કારણોને લીધે લોટ તૈયાર લાવવા કરતા દળાવવું સારું.
જુદી જુદી વાનગીઓના ઇન્સ્ટન્ટ મિક્સ મળે છે તે વાપરવા જોઈએ કે નહીં?
ન વાપરવા જોઈએ કારણ કે, તેમાં જુદી જુદી જાતની પ્રક્રિયાઓ કરેલી હોય છે. એ બધી પ્રક્રિયાઓ સ્વાભાવિક અને પ્રાકૃતિક હોતી નથી વળી તેમાં રસાયણોનો ઉપયોગ થયેલો હોય છે. આ રસાયણો પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોતા નથી. ભેળસેળનું અને મોંઘા ભાવનું જોખમ તો ખરું જ. પૈસા ખર્ચીને માંદા પડવાનો ધંધો ગણાય.
ટુ મિનિટ મેગીમાં શું ખોટું છે?
મેગી તો કંપનીનું નામ છે પણ ટુ મિનિટ મેગીના નામે જે પદાર્થ મળે છે તેને નુડલ્સ કહે છે. આપણે એને સેવો કહીએ છીએ. બજારમાં જે નુડલ્સ મળે છે તે મેંદાની હોય છે વળી તેમાં રસાયણો નાખીને પ્રક્રિયા પણ કરેલી હોય છે. મેંદો ચીકણો હોય છે, તે આંતરડામાં ચોંટી જાય છે તેનાથી પાચનતંત્ર બગડે છે તેનાથી આમ ઉત્પન્ન થાય છે. કોલેસ્ટ્રોલ વધારવામાં અને હૃદય રોગ થવામાં એ કારણભૂત બને છે. મેગી નાના મોટા સૌ ખાય છે, બાળકોને તો તેનું વ્યસન થઈ જાય છે પરંતુ અજ્ઞાનને કારણે માત્ર જાહેરાતો જોઈ જોઈને આપણે આપણા સ્વાસ્થ્યને મોટું નુકસાન કરીએ છીએ. નૂડલ્સ અથવા સેવો ઘેર પણ બને છે. પરંપરાથી આપણે ત્યાં સેવો બનતી આવી છે. એની વાનગીઓ પણ પ્રસિદ્ધ છે એ વાનગીઓ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સમજદાર લોકોએ સ્વાસ્થ્ય માટે નુડલ્સનો વિકલ્પ વિચારવો જ જોઈએ.
ઘેર બનાવેલા અથવા બનાવી શકાય એવા ઇન્સ્ટન્ટ ફૂડના નામ આપો.
ઇન્સ્ટન્ટ ફૂડ એટલે ઝપાટામાં બની જાય એવી વાનગીઓ. વળી એવી વાનગીઓ જે મુખ્ય ખાણું બની શકે, નાસ્તામાં ચાલી શકે. દાખલા તરીકે ચટણી, રાયતું, મુરબ્બો, શરબત એ ઇન્સ્ટન્ટ ફૂડ ન કહેવાય કારણ કે એ મુખ્ય ખાણુ નથી. ઝપાટામાં બની શકે એટલે કેટલા સમયમાં બને? ટુ મિનિટ મેગીએ એક સમય મર્યાદા તો આપી છે. બે જ મિનિટમાં બની જાય એવી જાહેરાત પણ આપે છે પરંતુ બે મિનિટ વાસ્તવિક બે મિનિટ હોતી નથી એ વાત આપણે જાણીએ છીએ તેથી બનાવવાની શરૂઆત કરીએ ત્યારથી ૧૦ થી ૧૫ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેને આપણે સામાન્ય રીતે ઇન્સ્ટન્ટ ફૂડ ગણી શકીએ.
આટલી બાબત સમજી લઈને હવે ઇન્સ્ટન્ટ ફૂડ ની વાનગીઓની આ યાદી ઉપર નજર નાખીએ કુલેર, સુખડી, શીરો, બટેટા પૌવા, ઉપમા, ખાંડવી, પુડલા, ભાખરી, ખીચું, સિંગ-તલ-દાળિયા, વગેરેની ચીકી,
ઓસાવેલી સેવ, ભજીયા, વઘારેલા મમરા, પુરી, રાબ, બટેકાની સુકી ભાજી, થેપલા, દુધીની ખીર, ફળોનું લીંબુ, મરી અથવા દહીં નાખેલું રાયતુ, મમરાની ચટપટી, કંસાર, ગળી પુરી કે ભાખરી, બાફેલી મગફળી, દાળિયાનો લાડુ, માલપુવા, ચણાના લોટની ઢોકળી આ યાદીને કુશળ ગૃહિણીઓ ઘણી મોટી બનાવી શકે છે. વળી એટલી બધી વસ્તુઓ હોય છે કે જેનાથી તરતો તરત કોઈ વાનગી બની જાય છે દાખલા તરીકે વડી, પાપડ, સેવ, ખાખરા વગેરે.
રસોઈ કરવામાં બળતણનું શું મહત્વ છે?
રસોઈ કરવા માટે લાકડા, કોલસા, છાણા, કેરોસીનનો સ્ટવ, ગેસ, વીજળી, માઇક્રોવેવ, સૂર્યની ગરમી વગેરે જુદા જુદા પ્રકારનું બળતણ વપરાય છે. તૈયાર થતા પદાર્થની ગુણવત્તાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ પ્રમાણે ક્રમ આવે. (ક્રમશઃ) hemangidmehta@gmail.com