અક્ષયપાત્ર એટલે શું?
અક્ષયપાત્ર એટલે જેમાં ભરેલો પદાર્થ ક્યારેય ખલાસ થઈને પાત્ર ખાલી થતું નથી તેવું પાત્ર.
જેના ઘેરથી ક્યારેય કોઈ ભૂખ્યું જતું નથી અને ગમે ત્યારે ગમે તેને ભોજન મળી રહે છે તેના રસોડાને અક્ષયપાત્ર કહેવાય.
ભોજન કર્યા પછી કેટલા સમયે પાણી પીવું જોઈએ ?
ભોજન શરૂ કરતાં પહેલાં પાણી ન પીવું, ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી પીવું, ભોજન પૂરું થાય એટલે મોં સાફ કરવા એકાદ જ નાનો ઘૂંટડો પાણી પીવું અને એક કલાક બાદ એક પ્યાલો ભરીને અથવા તરસ પ્રમાણે પાણી પીવું જોઈએ.
એક વખત જમ્યા પછી ફરી ક્યારે જમવું ?
એક વખત જમ્યા પછી ફરીથી સાચી ભૂખ લાગે ત્યારે જ જમવું, મન લલચાઈ જાય તેવી વસ્તુ સામે આવે તો પણ ન ખાવી. સ્વસ્થ માણસોને ખાધેલું પચી જાય પછી જ ભૂખ લાગે છે. મનથી કે તનથી અસ્વસ્થ લોકોને ખોટી ભૂખ લાગે છે, સાચી ભૂખની સમજ પડતી નથી.
સ્વસ્થ વ્યક્તિનું ભોજન ચારેક કલાકમાં પચી જાય છે તેથી ચાર કલાક પછી ખાઈ શકાય. એ પછી બે કલાક પેટ ખાલી રહે તો ચાલે. પરંતુ છ કલાક પછી અસામાન્ય સંજોગો ન હોય તો ભૂખ્યા ન રહેવું.
ધાનને ધૂળ કરીને ખાવું એટલે શું ?
અનાજ, શાકભાજી, ફળો, મસાલા વગેરે ઉત્તમ હોય, પોષણક્ષમ હોય તો પણ રસોઈ બનાવવાની રીત એવી હોય કે એના બધા પોષકતત્વો બળી જાય, સ્વાદ બગડી જાય, જમવામાં કંઈ રસ ન રહે ત્યારે કહેવાય કે ધાનને ધૂળ કરીને ખાય છે.
દાખલા તરીકે કેરી બહુ જ ઉત્તમ ફળ છે, સ્વાદ અને સ્વાસ્થ્ય બધી દૃષ્ટિએ ઉત્તમ છે પરંતુ એના ટુકડા કરીને, મિક્સરમાં રસ કાઢીને, ફ્રિજમાં રાખીને, દૂધ કે પાણી ભેળવીને ખાવી એ ધાનને ધૂળ કરીને ખાવા બરાબર છે.
ખાધાનીય ખબર નથી પડતી એટલે શું ?
થાળીમાં પીરસેલા અન્ન વિશે કંઈ ખબર પડતી ન હોય, સ્વાદમાં કંઈ સમજ પડતી ન હોય, વસ્તુ સારી છે કે નહીં એની ખબર ન પડતી હોય, શાની સાથે શું ખવાય તેની ખબર પડતી ન હોય, શું ખાવું- કેટલું ખાવું- ક્યારે ખાવું- શા માટે ખાવું એનો કોઈ વિવેક ન હોય ત્યારે કહેવાય કે ખાધાનીય ખબર પડતી નથી.
ગમે તેવા લોકોના દેખતા ભોજન કરવાથી શું થાય?
ભોજનને પવિત્ર અને શુદ્ધ રાખવું હોય તો એને કુદૃષ્ટિથી બચાવવું જોઈએ. દુષ્ટ અને નીચ માણસોની દૃષ્ટિમાં તેમના મનોભાવો વ્યક્ત થતા હોય છે. તેમની દૃષ્ટિ પડે તો અન્ન પણ દૂષિત થાય છે. એવું અન્ન ખાવાથી શારીરિક માનસિક સ્વાસ્થ્ય બગડે છે.
સૂર્યાસ્ત પછી ભોજન શા માટે ન કરવું જોઈએ ?
સૂર્યનો તાપ હોય ત્યારે જ જઠરાગ્નિ પણ પ્રજ્વલિત રહેતો હોય છે. સૂર્યાસ્ત પછી જઠરાગ્નિ શાંત થાય છે. એ પછી જમવાથી પાચન બરાબર થતું નથી. તેથી પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માગતા લોકોએ સૂર્યાસ્ત પૂર્વે જમવાની ટેવ પાડવી જોઈએ.
રાંધેલું અન્ન, જમતા વધેલું અન્ન ગટરમાં, ઉકરડે કે કચરાટોપલીમાં શા માટે ન નાખવું જોઈએ ?
વધેલું અન્ન પણ કોઈને કોઈ જીવજંતુના આહાર તરીકે પ્રયોજાવું જોઈએ. એને ફેંકી દેવું અને બગડવા દેવું એ અન્નનો તો અપવ્યય છે જ સાથે સાથે અન્નની અવમાનના પણ ગણાય.
ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવામાં આવે છે તેમ છતાં કેટલાક લોકો ડુંગળી ખાવાની ના કેમ પાડે છે ?
શ્રમ કરીને પરસેવો પાડે એને માટે ડુંગળી પોષક છે પરંતુ પરસેવો ન પાડે તેને માટે તામસી આહાર છે. ડુંગળીમાં પોષક તત્વો પણ છે જ. આયુર્વેદમાં એના ઘણા ગુણો વર્ણવ્યા છે તેથી શ્રમજીવીઓ ડુંગળી ખાય તો યોગ્ય ગણાય, બુદ્ધિજીવીઓ ખાય તો અયોગ્ય ગણાય.
મૂળા, કાકડી, દહીં વગેરે સાંજના ભોજનમાં હોતા નથી. શા માટે ? (ક્રમશઃ)