આપણે બધી રીતે ઉત્તમ ભોજન કરવું હોય તો આજના સમયમાં શું કરવું જોઈએ? આજે એ શક્ય છે ખરું?
મનુષ્ય ધારે તો નક્કી કરે એ બધું થઈ શકે તેથી આજના સમયમાં બધી જ યોગ્ય બાબતો શક્ય છે કે નહીં એ વ્યક્તિના પોતાના ઉપર જ આધાર રાખે છે. ઉત્તમ ભોજન કરવું હોય તો આટલું કરી શકાય. ભોજન માટેની સામગ્રી શુદ્ધ જ વાપરવી એવું જ્ઞાન અને એનો આગ્રહ રાખવો અને પૈસા વધુ ખર્ચવા પડે એમ લાગે તો અન્ય કોઈ જરૂરિયાત ઓછી કરવી.
બહારની વસ્તુ જેમ બને તેમ ઓછી વાપરવી. ભોજન અથવા નાસ્તો જરૂરિયાત પ્રમાણે ઘેરથી લઈ જવો. હોટેલિંગ ટાળવું. કોઈ શું કહેશે એ ગ્રંથિમાંથી બહાર આવી જવું. જમવાનો સમય નિશ્ચિત કરવો. મોડી રાતે જમવું નહીં, ઉભા ઉભા જમવાની ટેવ છોડવી, સ્નાન કર્યા વગર ન જમવાનો નિયમ શરૂ કરવો. રોજ એક મુઠી ધાન્ય કે અન્ય ખાદ્ય પદાર્થ ચકલા, પ્રાણીઓ અને ભૂખ્યા માણસો માટે આપવાનો નિયમ બનાવવો.
વૈજ્ઞાનિક પદ્ધતિથી રસોઈ બનાવતા શીખવું. ડાઇનિંગ ટેબલ ઘરમાંથી કાઢી નાખવું. આ બધી જ બાબતો શક્ય તો છે જ આપણે એનો અમલ શરૂ કરીએ તો એ શક્ય બને.
ભોજન શુધ્ધિની બાબતમાં આજે સામાજિક જીવનમાં કઈ રીતે જાગૃતિ લાવી શકાય? તે માટે શું શું કરી શકાય?
ભોજન વિષયક એક જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા એ મોટું પૂર્ણ કાર્ય છે, મોટી સમાજસેવા છે. તે માટે નીચે પ્રમાણે કેટલીક બાબતોનો પ્રયાસ કરી શકાય.
ભોજન અંગેની માહિતીની સામગ્રી બનાવીને તેનો પ્રચાર કરી શકાય; જાહેર સંસ્થાઓએ પોતાના દ્વારા યોજાતા ભોજન સમારંભોમાં શુદ્ધ અને સાત્વિક ભોજનનો આગ્રહ રાખવો. ભોજન બનાવવા માટેની સામગ્રી શુદ્ધ મળે એ અંગેનો આગ્રહ રાખતી ઝુંબેશ ચલાવી વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને શુદ્ધ ભોજન કોને કહેવાય તે સમજાવવું અને ઘેરથી એ પ્રમાણે જ ભોજન લાવે તેવી ગોઠવણ કરવી. વિદ્યાર્થીઓમાં વાલીઓના પ્રબોધનની પણ વ્યવસ્થા કરવી. હોટલો, લારીઓ, દુકાનો વગેરેમાં તૈયાર વેચાતું અન્ન ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ હોય તથા તેની જાળવણી યોગ્ય રીતે થતી હોય તેની ચકાસણીની વ્યવસ્થા સરકારી તથા સામાજિક સંસ્થાઓએ કરવી.
સંતો, મહંતોએ પોતાના અનુયાયીઓ, ભક્તો, સત્સંગીઓને શુદ્ધ ભોજન અંગે આગ્રહ કરવો. મોટા મોટા ઉદ્યોગ ગૃહો પોતાના કર્મચારીઓ માટે શુદ્ધ ભોજનની વ્યવસ્થા કરે એ જોવું. વૈદ્યો અને ડોક્ટરોએ સમાજસેવા તરીકે શુદ્ધ ભોજનની માહિતી લોકોને મળે એ માટે અભિયાન ચલાવવું. ટૂંકમાં જનજાગૃતિ એ એક ઉત્તમ ઉપાય છે. શિક્ષણ એ બીજો ઉપાય છે તથા પ્રત્યક્ષ વ્યવહાર એ ત્રીજો ઉપાય છે.
કેટલાક લોકો રોજ બહારનું અન્ન ખાય છે, તો પણ એમને કશું થતું નથી, જ્યારે કેટલાક જરાક અમથું અશુદ્ધ ભોજન કરે તો માંદા પડી જાય છે એનું શું કારણ?
જેનો કોઠો નાજુક અને સંવેદનશીલ હોય છે એના ઉપર અશુદ્ધ ભોજનની અસર તરત થાય છે, જેનો કોઠો કઠણ હોય તેને જલ્દી અસર થતી નથી.
જેની પાચનશક્તિ સારી હોય છે તેને પથરા પણ પચી જાય છે જેની નબળી હોય તેને જરાક અમથી વસ્તુ ખાય તો પણ પચતી નથી.
જેનો કોઠો સામાન્ય હોય અને પાચનશક્તિ પણ ઠીક હોય તેને રોજ રોજ ખાય તે અશુદ્ધ હોય તો પણ ધીમે ધીમે સાત્મ્ય થતું જાય છે એને કોઠે પડી ગયું સદી ગયું એમ કહે છે. અશુદ્ધ વસ્તુઓ પણ જેને કોઠે પડી જાય છે તેનું શરીર તો માંદુ પડતું નથી પણ કોઠાનો સ્વભાવ બદલાઈ જાય છે એટલે કે બહાર ન દેખાય તો પણ અશુદ્ધ કે શુદ્ધ અન્નનો પ્રભાવ પડ્‌યા વગર રહેતો નથી.
યૌગિક આહાર એટલે શું?
યોગના અભ્યાસ માટે અનુકૂળ હોય એને યૌગિક આહાર કહેવાય. યોગનો અભ્યાસ કરીને શ્વાસને સ્થિર હલકો શુદ્ધ બનાવે છે, પ્રાણને સંતુલિત કરે છે, નાડીશુદ્ધિ કરે છે, શરીરના અંદરના ચક્રોને સક્રિય બનાવે છે, મનને શાંત અને એકાગ્ર બનાવે છે. મનની આસક્તિ ઓછી કરે છે, ચિત્તને પ્રસન્ન અને શુદ્ધ બનાવે છે. યોગની આ બધી પ્રક્રિયાઓને અનુકૂળ હોય એવા આહારને યોગ્ય આહાર કહેવાય. સ્વાભાવિક રીતે જ સાદા, શુદ્ધ, લઘુ, સુપાચ્ય, સાત્વિક આહારને યૌગિક આહાર કહેવાય. (ક્રમશઃ)