જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વ્યવસાયે વકીલ સંજય કાપડિયાનું ફિલ્મી ઢબે અપહરણ કરાયા બાદ ચાર આરોપીઓને ધંધુકા પોલીસે ઝડપી પાડ્યા છે. સંજયભાઈ થોડા સમય પહેલાં વલસાડના વિશ્વંભરીધામમાં દર્શને ગયા હતાં, જ્યાં કરેલા રૂ.૧૦૦ના દાનની મળેલી પહોંચ ડુપ્લીકેટ જણાતાં તેમણે ચેરિટી કમિશનર કચેરી મારફતે આરટીઆઈ દાખલ કરી હતી. આ બાબતે મનદુઃખ રાખી નવ શખ્સોએ તેમની સામે અપહરણની ઝાળ ગૂંથેલી હતી. શ્યામ હોટલ, જેતપુર-બગસરા રોડ પર સંજય કાપડિયા અને તેમના બે મજૂરો પર આરોપીઓએ હુમલો કરી મોબાઈલ, બાઈક લૂંટી અપહરણ કર્યું હતું. આરોપીઓ વાહનોમાં ભાગી જસદણ તરફ અને ત્યારબાદ ધંધુકા તરફ જતા હોવાનું ઇનપુટ મળતાં રાજ્યભરમાં ચુસ્ત ચેકિંગ શરૂ કરાયું હતું. ધંધુકાના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર ચાર કારને રોકી સંજય કાપડિયા તથા બંને યુવકોને સુરક્ષિત મુક્ત કરાવવામાં આવ્યા તથા પ્રશાંત ડેડકિયા, કમલેશ રૂડાણી, અજય બોઘરા અને મીત વેકરીયાની ધરપકડ કરવામાં આવી. આરોપીઓએ સંજયભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તમામ આરટીઆઈ પાછી ખેંચવાનું દબાણ કર્યાનું ખુલ્યું છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.





































