રાજુલા તાલુકાના ભેરાઇ ગામે આવેલ એલસીએલ લોજેસ્ટીક દ્વારા ગુજરાતી કામદારો સાથે અમાનવીય વર્તન તથા પગાર બાબતે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય સાથોસાથ ગુજરાતી કામદારોને કંપની તરફથી માનસિક ત્રાસ અપાતો હોવાની જાણ કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ રામને થતાં કોંગ્રેસ અગ્રણીએ આ બાબતે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ એલસીએલ લોજેસ્ટીક કંપની વિરૂધ્ધ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, કંપનીના અધિકારીઓ દ્વારા ગુજરાતી કર્મચારીઓ અને વર્કરો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. બીન ગુજરાતીઓને કાયમી કરી આપવામાં આવે છે. તો ગુજરાતી કર્મચારીઓ સાથે કોરા કાગળ પર સહી કરાવી માનસિક ત્રાસ આપવામાં આવે છે.