ભેંસાણ તાલુકાના બરવાળા ગામે ગૌચરની જમીનમાં ગામના જ રહીશ અને પૂર્વ સરપંચ કુંદનબેન નટવરલાલ ધકાણ દ્વારા ગેરકાયદેસર કબજા કરી દબાણ કરવામાં આવ્યું હતું. જે અંદાજે ૧૯ વીઘા જેવી જમીન હતી. આ દબાણ દૂર કરાવવા માટે બરવાળા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત કુંદનબેનને નોટીસ આપવામાં આવી હતી. છતાં પૂર્વ સરપંચ દ્વારા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં ન આવતા ભેંસાણ તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ તાલુકા વિસ્તરણ અધિકારી, ગ્રામપંચાયત તલાટી મંત્રી, સરપંચ, પંચાયત સ્ટાફ અને ગામલોકોની બહોળી હાજરીમાં સ્થળનું રોજકામ કરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેથી ગામલોકોમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી.