રામાનંદ સ્વામીએ વિચાર્યું કે, ઋષિમુનિઓએ બાંધેલી મર્યાદાઓના પાલનમાં શિથિલતાને લીધે આ અશુદ્ધિઓ ઊભી થઇ છે. માટે એને દૂર કરવા માટે સનાતન ધર્મની મૂળ મર્યાદાને પુનઃસ્થાપિત કરવી જરૂરી છે. સદ્‌ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મદેવ અને ભક્તિદેવી દ્વારા આ પુનઃસ્થાપનનું ભગીરથ કાર્ય શરૂ કરાવ્યું હતું.
ભગવાન શ્રીસ્વામિનારાયણે ગુરુદેવ રામાનંદ સ્વામીએ આરંભેલા આ પુનઃસ્થાપનના કાર્યને કુશળતાપૂર્વક આગળ ધપાવ્યું હતું.
ભગવાન શ્રીસ્વામિનારાયણે જ્યારે નિલકંઠ વર્ણીના વેશે સાત સાત વર્ષ સુધી ભારત ભ્રમણ કર્યું હતું, એ દરમ્યાન એમણે પણ ગુરુદેવ રામાનંદ સ્વામીની પેઠે જ ધર્મસ્થળોની સારી-નરસી અનેક બાબતો નજરે નિહાળી હતી.
ભગવાન શ્રીસ્વામિનારાયણના સમયમાં ધર્મના નામે જાતજાતના પાપાચાર અને દુરાચાર આચરનારા પંથોનો રાફડો ફાટ્યો હતો. વામમાર્ગ એમાં મુખ્ય હતો, જે શાક્તપંથને નામે પણ ઓળખાતો.
આ પંથની કૌલમાર્ગ, કાંચળીયો પંથ વગેરે જાતજાતની પેટા શાખાઓ હતી. આ બધા જ પંથોમાં આજના લોકોને પણ શરમ આવે એવા પાપાચાર ચાલતા હતા.
આ પંથોમાં ધર્મના નામે મદ્ય, માંસ, મત્સ્ય, મૈથુન અને મુદ્રા આ પાંચ મોક્ષના સાધન મનાતા.
આવા પંથોમાં ધર્મના નામે જે દુરાચાર ચાલતા, તેની કલ્પના પણ આપણાં રૂંવાડા બેઠા કરી દે એવી છે.
માત્ર વામમાર્ગ નહિ, જ્ઞાનમાર્ગના નામે પણ સ્ત્રીઓનું શોષણ થઇ રહ્યું હતું.
ભક્તિને નામે પણ ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો હતો.
ભક્તરાજ નાભાજીએ “ભક્તમાળ” નામનો સુંદર ગ્રંથ લખ્યો છે. જેમાં ભગવાનની સાથોસાથ ભક્તોનો પણ ખૂબ મહિમા ગવાયો છે.
કેટલાંક લંપટ ધર્મગુરુઓ આવા ગ્રંથોની વારંવાર કથા કરાવતા અને સ્ત્રી, સંપત્તિ વગેરે સર્વસ્વ ગુરુને ચરણે ધરવાનું શિષ્યોને સમજાવતા હતા અને પાપાચાર આચરતા હતા.
ભારત ભ્રમણ દરમ્યાન નીલકંઠ વર્ણીએ જાયું હતું કે, કહેવાતા ધર્મગુરુઓ કનક, કામિની, રસાસ્વાદ અને વ્યસનોમાં ગળાબૂડ ડૂબ્યા હતા.
ભોળા લોકોને ભરમાવતા હતા, પોતાનો સ્વાર્થ સાધતા હતા, ધર્મ-જ્ઞાન-ભક્તિને બહાને વિષયભોગમાં મહાલતા હતા.