ભગવાન બુદ્ધના પ્રિય શિષ્ય આનંદે આવીને કહ્યું,“ભંતે ! આજે આપણા સંઘમાં પાંચસો સ્ત્રીઓને ભિખ્ખુણીની દીક્ષા આપવામાં આવી છે.” આ વાત સાંભળીને ભગવાન બુદ્ધ વિચારમાં ઊંડા ઊતરી ગયા અને બોલ્યા, “આનંદ ! આ સમાચાર સારા નથી, આપણો ધર્મ દીર્ઘકાળ સુધી ટકવાનો હતો પરંતુ આજે એનું આયુષ્ય પાંચસો વર્ષ ઓછુ થઇ ગયું.” “ભિખ્ખુઓ અને ભિખ્ખુણીઓ જ્યારે સાથે રહેશે ત્યારે એમના શીલ અને સંયમ શિથિલ થશે, ધર્મનું તેજ ઝાંખુ થશે, પરિણામે ધર્મનું આયુષ્ય ઘટી જશે.” ભગવાન બુદ્ધ મનુષ્ય મનની નબળાઇઓ અને મર્યાદાઓને બરાબર જાણતા હતા.
આજના બૌદ્ધિકો બુદ્ધના આ પ્રસંગ અંગે ગમે એટલી આલોચના કરે પણ ઇતિહાસ સાક્ષી છે કે, બુદ્ધની ભવિષ્યવાણી સત્ય થઇ હતી. યહુદી ધર્મના સિનેગોગ(પ્રાર્થના સ્થળ)માં બાઇઓ અને ભાઇઓ અલગ અલગ બેસીને જ પ્રાર્થના કરે છે. ખ્રીસ્તી ધર્મમાં પણ સ્ત્રીપુરુષ વચ્ચે મર્યાદાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સેન્ટ પોલ કહે છે, “પુરુષ સ્ત્રીના સ્પર્શથી દૂર રહે એમાં જ એનું હિત છે.” કુરાનમાં કહે છે, “સ્ત્રીપુરુષ એકસાથે બેસી બંદગી ન કરી શકે.” ૧૪ ૧૫
“સ્વામિનારાયણ સંપ્રદાયમાં મર્યાદાનો આરંભ” સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી-પુરુષોની મર્યાદાનો આરંભ સદ્‌ગુરુ રામાનંદ સ્વામીના સમયથી થયો. ભગવાન શ્રીસ્વામિનારાયણના માતાપિતા ધર્મદેવ અને ભક્તિદેવી તીર્થયાત્રા કરવા નીકળેલાં. અલાહાબાદમાં ત્રિવેણી સંગમ પ્રયાગરાજના કિનારે સદ્‌ગુરુ રામાનંદ સ્વામી સાથે તેઓનું મિલન થયું. રામાનંદ સ્વામીએ આ પવિત્ર દંપતીને પોતાના આશ્રિત બનાવ્યા. ધર્મ જગતમાં પેઠેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે સ્ત્રી-પુરુષની મર્યાદાના પાલન માટે જ્ઞાનોપદેશ કર્યો. સ્ત્રી-પુરુષો બંનેને માટે અલગ દીક્ષા, અલગ શિક્ષા અને અલગ ધર્મોપદેશની વ્યવસ્થાનો આરંભ કરાવ્યો. સદ્‌ગુરુ રામાનંદ સ્વામીએ તત્કાલિન ભારતવર્ષની વારંવાર તીર્થયાત્રાઓ કરી હતી અને કળિયુગના પ્રભાવે અનેક ધર્મસ્થળે ધર્મના ઓથે થઇ રહેલા ભ્રષ્ટાચારો તથા મહિલાઓના શોષણને તેમણે નજરે નિહાળ્યું હતું. પરિણામે એમનો અંતરાત્મા અકળાઇ ઉઠ્યો હતો. ધર્મસ્થાનો અને ધર્મગુરુઓ સામાન્ય જનસમાજ માટે પરમ શ્રદ્ધાના સ્થાન છે. આ શ્રદ્ધાના કેન્દ્રોમાં જ જા અનાચાર અને દુરાચાર પ્રવેશે, તો ધર્મક્ષેત્રને ભારે નુકસાન પહોંચે છે.