ધર્મક્ષેત્રના આ અધઃપતનમાં જે કેટલાંક કારણો હતાં, એમાં મુખ્ય કારણ હતું, બાઇઓ ભાઇઓની મર્યાદાના પાલનમાં આવેલી શિથિલતા. નીલકંઠ વર્ણીએ ધર્મના ક્ષેત્રની આ અશુદ્ધિને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો અને એનો આરંભ એમણે લોજથી કર્યો હતો. સાત સાત વર્ષની ભારત યાત્રા પૂર્ણ કરીને તેઓ લોજ પધાર્યા. લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામીની સાથે રહ્યા.
આ વાતને સમજાવતા ભગવાન શ્રીસ્વામિનારાયણ વચનામૃતોમાં કહે છે કે, “માટે અમે હૃદયમાં વિચાર કર્યો કે, ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે, તેનું કારણ શું છે ? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જાયું; ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરુપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ, તેને યોગે કરીને અંતઃકરણમાં ગાફેલપણું રહે છે કે, ભગવાન મળ્યા છે તેથી હવે કાંઇ કરવું રહ્યું નથી, એવું ગાફેલપણું રહે છે; એટલો જ અંતઃકરણનો વાંક છે અને ઝાઝો વાંક તો પંચજ્ઞાનેન્દ્રિયોનો જ છે.”
“પંચઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે, તે આહાર જા શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે.”(વચનામૃત ગ. પ્ર. ૧૮)
“પંચવિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતાં નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષય સાથે સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે.”
(વચનામૃત ગ. મ.૨)
નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે,
“ઉષ્ણરતે અવની ઉપરે, બીજ ન દીસે બહારજી ।
ઘન વરસે વન પાંગરે, એમ વિષય વિકારજી ।।
“ઉનાળાની ઋતુમાં ધરતીમાં ધરબાયેલાં બીજ જાઇ શકાતાં નથી, પરંતુ વરસાદનો જાગ થતાં જ પાંગરી ઊઠે છે. એ જ રીતે વિષયનો જાગ થતા વિકારો પાંગરી ઊઠે છે.”