રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્વયે તૈયાર થનારા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે આપવાનો જનહિતકારી નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોની મિલકતની માપણી ડિજિટલ ટેકનોલોજીના આ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
ભારત સરકારના પંચાયતીરાજ વિભાગ દ્વારા આ હેતુસર સ્વામિત્વ-સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્ડ ટેકનોલોજી ઈન વિલેજ એરિયાઝ-યોજના અમલમાં મૂકવામાં આવી છે, ગુજરાતનો આ યોજના અંતર્ગત બીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના અન્વયે રાજ્યમાં કુલ અંદાજિત ૧૪, ૮૧૪ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૦૦ ઉપરાંત ગામોમાં સર્વે ઓફ ઇન્ડીયા દ્વારા ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આગામી સમયમાં આયોજનપૂર્વક રાજ્યમાં આ યોજના અંતર્ગત સમાવિષ્ટ તમામ ગામોમાં પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વામિત્વ યોજના હેઠળ રેકર્ડ પ્રમોલગેશન બાદ તૈયાર થયેલાં પ્રોપર્ટીકાર્ડની પ્રથમ નકલ ગ્રામ્ય વિસ્તારના છેવાડાના નાગરિકો એવા મિલકતધારકોને નિઃશુલ્ક વિતરણ કરવાનો ગ્રામીણ હિતલક્ષી ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયની ફળશ્રુતિએ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સ્વામિત્વ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ મળશે અને સુખાકારીમાં વૃદ્ધિ થશે. એટલું જ નહિ, ગ્રામીણ નાગરિકોને પોતાની મિલકત સંબંધી સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ થઈ શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહાત્વાકાંક્ષી યોજનાથી ગ્રામીણ ભારતના સશક્તિકરણ માટે ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. આટલા મોટાપાયે સૌપ્રથમ વખત સૌથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સર્વે કામગીરી હાથ ધરાવાને કારણે ગ્રામીણ વિસ્તારના લાખો મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઈટ્‌સ મળશે. આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને સૌપ્રથમ વખત માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. આવા મિલકત ધારકોને કાયદાકીય દસ્તાવેજ તરીકે પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી તેઓની સંપત્તિનો ઉપયોગ લોન અને અન્ય નાણાકીય લાભો લેવામાં સરળતા રહેશે.
ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીઓ પોતાની સંપત્તિનો ઉપયોગ કરી આર્થિક રીતે સક્ષમ બનશે. મિલકત બાબતના વિવાદો ઘટશે તેમજ સ્વામિત્વ યોજનાનો લાભ મેળવીને મિલકતના નકશા પ્રાપ્ત થતાં ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ આવશે.