દિવાળી અને નવા વર્ષની ઉજવણી સાથે અગાઉ થયેલી ભૂલોને હડસેલો મારી નવેસરથી શરૂઆત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સામંથા રૂથ પ્રભુને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં સતત પછડાટો મળી છે. પુષ્પામાં સામંથાના સ્પેશિયલ સોન્ગ ‘ઉ અંટ્વા…’ને બાદ કરતાં કોઈ રોલની ચર્ચા થઈ નથી. મહિનાઓના સંઘર્ષ બાદ તેની તબિયત સુધરી છે, પણ ‘બીત ગઈ, સો બાત ગઈ’ની ઉક્તિને સાર્થક કરતાં સામંથા નવી શરૂઆત કરવા સજ્જ છે.
ભૂતકાળમાં થયેલી ભૂલોએ નવું શીખવાની તક આપી હોવાનું સ્વીકારીને સામંથાએ આગામી સમયના દરેક રોલમાં પોતાની જાતને જ પડકાર આપવાનો નિશ્ચય કર્યો છે.
સામંથાએ ‘સિટાડેલઃ હની બની’ના પ્રમોશન માટે ઈન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનીથિંગ’ સેશન રાખ્યુ હતું. ફેન્સ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતાં સામંથાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ભૂલો કરી હોવાનું તે સ્વીકારે છે. આકરી મહેનત કરવા છતાં સફળતા મળી ન હતી. છેલ્લી કેટલીક ફિલ્મોમાં શ્રેષ્ઠ કામ નહીં થયું હોય તેવું પણ સામંથાને લાગે છે. જા કે દરેક નવા રોલમાં પોતાની જાતને જ પડકાર આપવાનો નિશ્ચય કર્યો છે. દરેક વખતે અગાઉ કરતાં વધારે પડકારજનક રોલ કરવા છે.
‘સિટાડેલ’માં પોતાના રોલ અંગે સામંથાએ કહ્યું હતું કે, આ કેરેક્ટર ખૂબ કોમ્પ્લિકેટેડ અને લેયરવાળું છે. મારી કરિયરનો સૌથી વધુ ચેલેન્જિગ રોલ આ સિરીઝમાં છે, પણ આ બાબતનો નિર્ણય ઓડિયન્સ પર છોડું છું. પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડ્ડનનો રોલ ધરાવતી ‘સિટાડેલ’ સિરીઝની પ્રીક્વલ તરીકે આ સિરીઝ બની છે. તેમાં સામંથા સાથે વરુણ ધવન લીડ રોલમાં છે. આ સિરીઝ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થવાની છે.