દેશભરમાં ભૂખ્યા, બેઘર અને નિઃસહાય લોકો માટે કોમ્યુનિટી કિચન શરૂ કરવાની માગ પર કેન્દ્ર સરકાર તરફથી યોગ્ય જવાબ ન મળતાં અને કેન્દ્ર સરકાર વતી અન્ડર સેક્રેટરીએ એફિડેવિટ દાખલ કરતા સુપ્રીમકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
ચીફ જસ્ટિસ આૅફ ઇન્ડિયા (સીજેઆઇ) એન. વી. રમનાના વડપણ હેઠળની બેન્ચે કેન્દ્ર સરકારને ઠપકો આપતાં કહ્યું કે અમે ચિંતિત છીએ કે દેશમાં લોકો ભૂખ્યા મરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર આવા લોકોની મદદ માટે કોઇ જ યોજના નથી ઘડી રહી. તે યોજના નહીં ઘડે તો નાછુટકે કોર્ટે આદેશ જારી કરવો પડશે.
સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને છેવટની મહેતલ આપતાં નિર્દેશ જારી કર્યો કે તે કોમ્યુનિટી કિચન શરૂ કરવા સંબંધી યોજના અંગે તમામ રાજ્યો સાથે બેઠક કરી ત્રણ અઠવાડિયામાં એક કોમન સ્કીમનો પ્લાન તૈયાર કરી કોર્ટમાં રજૂ કરે. કોર્ટે તમામ રાજ્યોને પણ નિર્દેશ કર્યો કે તેઓ આ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા યોજાનારી બેઠકમાં ભાગ લઇને સહકાર આપે.
કોર્ટે કેન્દ્રને ચેતવણી આપતાં કહ્યું કે, ‘આવતી વખતે એફિડેવિટ અન્ડર સેક્રેટરીના માધ્યમથી નહીં પણ યોગ્ય જવાબદાર અધિકારીના માધ્યમથી દાખલ કરવામાં આવે. આ છેલ્લી તક આપીએ છીએ. હવે સુનાવણી મુલતવી પણ નહીં રખાય કે ગોળ-ગોળ વાતો પણ સાંભળી નહીં લેવાય.
તમે રાજ્યો સાથે બેઠક કરી પ્લાન રજૂ કરો.ર્ કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યું કે અમે રાજ્યો સાથે વાત કરીને ચાર અઠવાડિયામાં યોજનાની રૂપરેખા ઘડીશું. અમને વધુ સમય આપવામાં આવે અને સુનાવણી મુલતવી રાખવામાં આવે. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે નાણાકીય સ્થિતિ અંગે રાજ્યો સાથે વાત કરી શકો છો કે કેન્દ્ર સરકાર કેટલું ફંડ આપશે અને રાજ્યો કેટલું ફંડ ભોગવશે?
સીજેઆઇએ ભારે નારાજગી સાથે કહ્યું કે લોકો ભૂખથી મરી રહ્યા છે. અમે નિઃસહાય લોકોની ભૂખ અંગે ચિંતિત છીએ. આ કોઇ કુપોષણનો નહીં, ભૂખનો મામલો છે. લોકો ભૂખથી મરી રહ્યા છે. અમે કેન્દ્ર સરકાર પાસેથી સાર્વત્રિક નીતિ ઇચ્છીએ છીએ. તમે રાજ્યો સાથે વાત કરો.
કોમન કોમ્યુનિટી કિચન અંગે તેમની પાસેથી સૂચનો મેળવો. તેમને પૂછો કે આ યોજના કેવી રીતે લાગુ કરી શકાય? યોજના તૈયાર થવામાં કેટલો સમય લાગશે? તેમણે આકરા અંદાજમાં કેન્દ્ર સરકારને પૂછ્યું કે અમે જાણવા માગીએ છીએ કે તમે આ મુદ્દે ગંભીર છો કે નહીં?