ભૂલ ભૂલૈયા ૨નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બૂ, રાજપાલ યાદવ વગેરે કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન અનિસ બઝ્મીએ કર્યું છે, જ્યારે વર્ષ ૨૦૦૭માં રીલિઝ થયેલી ફિલ્મ ભૂલ ભૂલૈયાનું ડિરેક્શન પ્રિયદર્શને કર્યુ હતું. તે ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, રાજપાલ યાદવ, પરેશ રાવલ, અમીષા પટેલ, મનોજ જોશી જેવી અદ્દભુત સ્ટારકાસ્ટ હતી. આજે પણ લોકો તે ફિલ્મને ભૂલી નથી શક્યા. કોમેડી, ડાયલોગ્સ, હોરર, રોમાન્સ…તમામ પરિબળોનો એવો તડકો લગાવવામાં આવ્યો હતો કે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. તો પછી પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર અથવા વિદ્યા બાલનને કેમ લેવામાં નથી આવ્યા. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ડિરેક્ટર અનિસ બઝ્મીએ ખુલાસો કર્યો કે આખરે તેમણે ફિલ્મની પોપ્યુલર કાસ્ટ અક્ષય અને વિદ્યાને સિક્વલમાં કેમ નથી લીધા. અનિસે જણાવ્યું કે, અક્ષય એક શ્રેષ્ઠ અભિનેતા અને મિત્ર છે. વિદ્યા પણ ઘણી સારી અભિનેત્રી છે. તેમણે ભૂલ ભૂલૈયામાં ઘણું સારું કામ કર્યુ હતું. પરંતુ સિક્વલમાં સ્ક્રિપ્ટે અમને તેમને ઓન બોર્ડ લાવવાની મંજૂરી નહોતી આપી. અનીસ બઝ્મીએ જણાવ્યું કે, અમે તેમને કોઈ કારણ વગર ઓનબોર્ડ લાવવા નહોતા માંગતા. આ સ્ટોરી એવી હતી કે તમે તેમને લાવી નથી શક્યા. ફિલ્મમાં કાર્તિક આર્યનને કેમ કાસ્ટ કરવામાં આવ્યો તેનો જવાબ પણ ડિરેક્ટરે આપ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે મેં કાર્તિકની પ્રથમ ફિલ્મ જોઈ હતી ત્યારે તેને કોલ કર્યો હતો. મને કોઈનો અભિનય પસંદ આવે તો હું વખાણ કરવામાં માનુ છું. જ્યારે મુરાદ અને ભૂષણ સાથે ફિલ્મની કસ્ટિંગની ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમારી પ્રથમ પસંદ કાર્તિક હતો. કારણકે તે મસ્તીખોર છે, ફની છે, માટે મને લાગ્યું કે આ રોલ માટે યોગ્ય રહેશે. ભૂલ ભૂલૈયા ૨ ૨૦મી મેના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. મુખ્ય અભિનેત્રી તરીકે કિયારા અડવાણીને કાસ્ટ કરવામાં આવી છે. આ સિવાય તબ્બુ પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. રાજપાલ યાદવ પ્રથમ ફિલ્મમાં પણ હતા, આ ફિલ્મમાં પણ છે. આ સિવાય સંજય મિશ્રા પણ જોવા મળશે.