કચ્છના ભુજ શહેરમાં ત્રિમંદિર નજીક આવેલી મેકડોનાલ્ડ્‌સ રેસ્ટોરન્ટમાં વેજ અને નોન-વેજ ફૂડને લઈને વિવાદ સર્જાયો છે. એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે તેણે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ પીરસવામાં આવેલા બર્ગરમાં નોન-વેજ સામગ્રી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે ગ્રાહકમાં ભારે રોષ ફેલાયો હતો અને રેસ્ટોરન્ટમાં જ હોબાળો મચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ જ્યારે બર્ગર ખોલીને તપાસ્યું ત્યારે તેમાં નોન-વેજ સામગ્રી હોવાનું જણાયું હોવાનો દાવો કર્યો હતો. આ બાબતે ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકો સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થળ પર લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.
ગ્રાહકે સમગ્ર ઘટનાને ગંભીર બેદરકારી ગણાવી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હાલ સુધી આ મામલે સ્થાનિક નગરપાલિકા અથવા અન્ય સંબંધિત તંત્ર દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું નથી. ગ્રાહકે સંબંધિત વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી છે કે નહીં તે અંગે પણ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમો મુજબ, જો કોઈ ગ્રાહકને ખોરાકની ગુણવત્તા, લેબલિંગ અથવા વેજ-નોનવેજ સંબંધિત ગેરરીતિ અંગે શંકા હોય તો તે ફૂડ સેફ્ટી વિભાગમાં ફરિયાદ નોંધાવી શકે છે. તપાસ દરમિયાન આક્ષેપ સાચા સાબિત થાય તો સંબંધિત સંસ્થા સામે દંડાત્મક કાર્યવાહીથી લઈને અન્ય કડક પગલાં પણ લેવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતના વિવિધ શહેરોમાં વેજ ફૂડના બદલે નોન-વેજ ફૂડ પીરસાયા હોવાના વિવાદો સામે આવ્યા છે, જેમાં તપાસ બાદ કેટલાક કિસ્સાઓમાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હાલ ભુજની આ ઘટનાએ ગ્રાહકોમાં ચર્ચા જગાવી છે અને સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતાની રાહ જાવામાં આવી રહી છે