ભુજ તાલુકાના મોટા રેહા ગામે શ્રમજીવી યુવકની ધારદાર હથિયારોના ઘા મારી અજાણ્યા ઈસમોએ હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની છે.
આજે વહેલી સવારે હતભાગી ૩૮ વર્ષીય અતુલ પચાણ મહેશ્વરી નામના યુવકનો મૃતદેહ તેના ઘરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. હત્યાના બનાવથી પધ્ધર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીઓના સગડ મેળવવા ઝીણવટ ભરી તપાસ શરુ કરી છે. હાલ મૃતકના દેહને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પધ્ધર પોલીસ મથકના પીઆઇ એચ.એમ.ગોહિલનો સંપર્ક સાધતા તેમણે હત્યાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે મોટા રેહા ગામે છૂટક મજૂરી કામ કરતો અને મકાનમાં એકલો રહેતા અતુલ મહેશ્વરી નામના યુવકનું ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ થયું છે.
આ મામલે કોના દ્વારા કયા કારણોસર અને કેટલા વ્યક્તિ દ્વારા હત્યા કરાઈ છે તે સહિતના પ્રશ્ને તપાસ ચાલી રહી છે. ઘટના રાત્રિના સમય દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે.