ભિલોડા તાલુકાના રામપુરી ગામમાં છેલ્લા ઘણા સમયથી મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી ગત રાત્રે બંદૂકની ગોળી મારીને ૪૫ વર્ષીય મહિલાનું મોત નીપજાવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાસ્થળે સગા-સબંધીઓ સહિત લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા. પોલીસે હત્યાના બનાવ સંદર્ભે હત્યારા સામે ગુનો દાખલ કરીને હત્યારાને ઝડપી લેવા માટે તેજગતિએ ચક્રો ગતિમાન કર્યા છે.ભોગ બનેલી મૃતક મહિલાનો મૃતદેહ પી.એમ અર્થે કોટેઝ હોસ્પિટલમાં લવાયો હતો. ત્યારે સગાં-સબંધીઓના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન બની ગયો હતો.
ભિલોડા તાલુકાના રામપુરી ગામે બનેલી હત્યા અંગે ભિલોડા પોલીસ સ્ટેશન પીઆઈ એચ.પી. ગામિતે જણાવ્યું હતું કે, રામપુરી ગામની ૪૫ વર્ષીય મહિલા ઉર્મિલાબેન દિલીપકુમાર તબિયાર ગતરોજ મધ્ય રાત્રિએ ઘરે એકલી હતી તે વખતે આ મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી રાત્રિના આશરે બે વાગ્યાના અરસામાં મહિલાના જમણા પગના સાથળના પાછળના ભાગે ફાયરિંગ કર્યું હતું. જેથી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું જ્યારે આરોપી હત્યા કરી ભાગી છૂટ્યો હતો.
હત્યાના બનાવ અંગે રામપુરી ગામના મૃતક મહિલાના પતિ દિલીપકુમાર પુનાજી તબિયારે પોતાના જ કૌટુંબિક અને હત્યારા રાજેશ ઉર્ફે રાજેન્દ્રભાઈ નાનજીભાઈ તબિયાર (રહે. રામપુરી) સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવના પગલે અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ, એએસપી કેશવાલા તેમજ જિલ્લા એલસીબી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો.